________________
૪૯૨
છ પદનો પત્ર
હોય છે એ યથાર્થ હોય છે કે આ પરિણતિ છે એ કર્મના વિસ્ફોટના કારણે ઝળકી છે અને એના કારણે વિભાવરૂપે આ આત્મા ક્રોધાદિરૂપે પરિણમ્યો છે, પણ એ મારા સ્વભાવનું પરિણમન નથી. સ્વભાવનું પરિણમન તો વર્તમાનમાં પણ એનાથી જુદું છે. એ જ્ઞાન પરિણમનથી આ ક્રોધાદિ પરિણમન જણાય છે, પણ જ્ઞાનમાં ક્રોધાદિ પરિણમન થતું નથી. બે ય જુદા છે, કેમ કે ચેતન પરિણામ અને અચેતન પરિણામ એ બે ક્રિયાઓ એક દ્રવ્યમાં એક સાથે થઈ શકતી નથી. બે ક્રિયા એક દ્રવ્ય કરી શકે નહીં. ક્રોધાદિ ભાવ પણ આત્મા કરે અને જ્ઞાનભાવ પણ આત્મા કરે એમ બનતું નથી. ઘડાનો બનાવનાર જેમ કુંભાર છે, તો માટી પણ ઘડારૂપે પરિણમે અને કુંભાર પણ ઘડારૂપે પરિણમે એમ બનતું નથી. કુંભાર તો કુંભારરૂપે જ રહે છે. માટી ઘડારૂપે પરિણમે છે. નિમિત્તકર્તા તરીકે આપણે કુંભારને કહીએ છીએ. એ પણ એક સ્થૂળ અપેક્ષાએ કહીએ છીએ. સૂક્ષ્મ અપેક્ષાએ જોઈએ તો કુંભારનો યોગ અને ઉપયોગ એ નિમિત્તકર્તા છે. આ તો તત્ત્વની સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભેદજ્ઞાનની વાત છે.
વસ્તુ પોતાના સ્વરૂપમાં જ પરિણમે એવો નિયમ છે. એટલે કે જીવ જીવરૂપે પરિણમ્યા કરે અને અજીવ અજીવરૂપે પરિણમ્યા કરે, જીવ ક્યારેય પણ અચેતનરૂપે પરિણમે નહીં અને અજીવ ક્યારેય પણ ચેતનરૂપે પરિણમે નહીં. આ સિદ્ધાંત છે. આ વાત ભેદવિજ્ઞાનની છે. માટે એકદમ ઉપયોગને એકાગ્ર રાખી ગ્રહણ કરવું. વસ્તુ પોતાના સ્વરૂપમાં જ પરિણમે એવો નિયમ છે. જીવ જીવરૂપે પરિણમ્યા કરે છે અને જડ જડરૂપે પરિણમ્યા કરે છે. જીવનું મુખ્ય પરિણમવું ચેતન જ્ઞાન સ્વરૂપ છે અને જડનું મુખ્ય પરિણમવું એ જડનું સ્વરૂપ છે. જીવનું પરિણમન થાય છે એ શેના રૂપ થાય છે ? પરિણમન એટલે ક્રિયા, એ જ્ઞાનક્રિયા કરે છે.
આત્મા જ્ઞાનં, સ્વયં જ્ઞાનં, જ્ઞાનાત્ અન્ય કરોતિ કિમ્ ।
પરભાવસ્ય કર્તા આત્મા, મોહેય, વ્યવહા૨ેણું ||
આત્મા જ્ઞાનસ્વરૂપ છે તો જ્ઞાનક્રિયા કરે. એ જ્ઞાનક્રિયા પણ કરે અને અચેતન ક્રિયા પણ કરે એમ બનતું નથી. પરમાર્થથી સ્વભાવ પરિણતિએ એ આત્મા નિજસ્વરૂપનો કર્તા છે એની વાત ચાલે છે.
જે દૃષ્ટિથી વાત થતી હોય એ દૃષ્ટિથી વિચારીએ તો યથાર્થ છે. પરમાર્થથી સ્વભાવ પરિણતિએ જીવ નિજસ્વરૂપનો કર્તા છે. એટલે જીવનું મુખ્ય પરિણમવું તે ચેતન જ્ઞાનસ્વરૂપ છે અને જડનું મુખ્ય પરિણમવું તે જડત્વ સ્વરૂપ છે. સમયે સમયે આપણું વિભાવ પરિણમન ચાલે