________________
૨૩૨
શું સાધન બાકી રહ્યું ? શ્રદ્ધાથી ભાવોની શુદ્ધિ થાય છે, આત્માની તથા પરિણામોની શુદ્ધિ થાય છે. એમના પ્રત્યે શુદ્ધ શ્રદ્ધાન ના થાય તો શુદ્ધિની વૃદ્ધિ થતી નથી. માટે, શ્રદ્ધા લાવો. વીતરાગ સર્વ કેવળજ્ઞાની પરમાત્મા, જેમને અનંત ચતુષ્ટય પ્રગટ થયા છે તે જ સદેવ છે. એ સિવાય અમારા માટે કોઈ સદેવ નથી ને કોઈ આરાધ્ય દેવ નથી, કોઈ પૂજવા યોગ્ય દેવ નથી, કોઈ વંદન કરવા યોગ્ય દેવ નથી. દેવ-દેવીઓની તુષમાનતાને શું ઈચ્છો છો? તુષમાનતા સત્યરુષની ઈચ્છો.” એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. અન્ય દેવ-દેવીઓ તુષમાન થઈને બહુ બહુ તો કંઈક ભૌતિક સુખ કે પદાર્થો આપી શકશે. તે પણ તમારું પુણ્ય હશે તો! નહીં તો પાંચસો મણ સુખડી ચઢાવશો તો પણ એ બધી નિષ્ફળ જશે! અને મિથ્યાત્વ ગાઢું થશે પાછું. જે જીવને જે કંઈ મળે છે તે પોતાના પુણ્યના કારણે મળે છે, નહીં કે દેવ દેવીની તુષમાનતાના કારણે. જો પુણ્યનો ઉદય ના હોય તો કેવળજ્ઞાની પરમાત્મા પણ તમને કંઈ કરી શકે નહીં, તો સામાન્ય દેવ-દેવીની તો વાત જ જવા દો. એ પણ નિમિત્ત ના થઈ શકે. પુણ્ય પ્રમાણે બધી સામગ્રી મળે છે. આ શ્રદ્ધા હોય તો મિથ્યા દેવ-દેવીની માન્યતાને તમે છોડશો. એમના પ્રત્યે દ્વેષ કે ધૃણા નહીં. એ પણ તમારા સાધર્મિક બંધુ છે, એ પણ આત્મા છે. એમની સાથે “જય જિનેન્દ્ર નો વ્યવહાર રાખો, એથી આગળ નહીં. દેવના ખાનામાં કે ગુરુના ખાનામાં કે ધર્મના ખાનામાં એમને બેસાડવાના નહીં. એ જ્યાં છે ત્યાં બરાબર છે. તો, આવી આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વછંદ નિરોધપણે આપ્તપુરુષની પરમ ભક્તિરૂપ એ પહેલું સમકિત છે અને પહેલું સમકિત બીજા સમકિત (અનુભવાશે પ્રતીતિ) નું કારણ થાય છે. પહેલું યથાર્થ હશે, દૃઢ હશે તો અનુભવાંશમાં આવશે. દેવ-ગુરુ-ધર્મની કે તત્ત્વની શ્રદ્ધા વગર અનુભવાશમાં નહીં આવી શકો. પહેલું આ જોઈએ. “અમારે તો બધાય ભગવાન સરખા ને બધાય ગુરુ સરખા ને બધાય ધર્મ સરખા ! નકામા રાગ-દ્વેષ કરવાથી ફાયદો શું છે?' એમ અજ્ઞાનીઓ કહે છે. અમારે તો મહાવીર પણ સરખા ને મહમ્મદ પયગંબર પણ સરખા અને ઈશુ ખ્રિસ્ત પણ સરખા ! એ બધા પણ ભગવાન છે અને આ પણ ભગવાન છે! જુઓ! ક્યાં છદ્મસ્થ અજ્ઞાનીને કેવળજ્ઞાનીની સાથે બેસાડી દીધા! એ છદ્મસ્થ જીવ છે, કેવળજ્ઞાની તો છે નહીં અને કેવળજ્ઞાની નથી માટે અજ્ઞાની છે. કેવળજ્ઞાનની અપેક્ષાએ બધા છદ્મસ્થ ને જ્ઞાનીઓ પણ અજ્ઞાની કહેવાય. તો, એમને આપણે સદેવમાં બેસાડી દીધા એ ભૂલ થઈ. પણ હવે,
બીજો મનમંદિર આણું નહિ, એ અમ કુલવટ રીત. જિનેસર.