________________
ક્ષમાપના
૩૭૧
પાપ થયું હોય તો પશ્ચાત્તાપ કરવો જોઈએ. સાચો પશ્ચાત્તાપ ક્યારે કહેવાય? ફરીથી એ પાપ ન કરે. એક ભક્તિના પદમાં આવે છે કે, “રોજ કરું છું પાપ અને હું રોજ કરું પસ્તાવો.” રોજ પાપ કરું છું એટલે બોલવું પડે છે, અને ના કરે તો બોલવું પણ ના પડે. જીવની જે પ્રકૃતિ હોય છે તે જલ્દી છૂટતી નથી. પ્રકૃતિ એ કાંઈ સ્વભાવ નથી, પણ એક બૂરી આદત છે, દોષ છે. કોઈનામાં ક્રોધની પ્રકૃતિ હોય, કોઈમાં અભિમાનની પ્રકૃતિ હોય, કોઈમાં લોભની પ્રકૃતિ હોય, કોઈમાં વિષયોની પ્રકૃતિ હોય, કોઈમાં માન-પૂજાની પ્રકૃતિ હોય - આમ અનેક પ્રકારની પ્રકૃતિવાળા જીવો હોય છે. એ પ્રકૃતિઓ કાઢવી તે દીર્ધકાળના સત્સંગ અને સદ્ગુરુના નિમિત્ત વગર શક્ય નથી. તો, પાપ થયું હોય તો પશ્ચાત્તાપ કરવાનો, રાજી નહીં થવાનું. પાપ કરીને રાજી થાય તો તે નિકાચિત્ થઈ જાય છે. પશ્ચાત્તાપ કરે તો તેનું ફળ ઓછું આવે અને પાપ કરીને ડંફાસ મારે તો મહાદોષ થાય.
શ્રેણિક રાજાએ બાણ માર્યું તે હરણને વીંધીને ઝાડમાં પેસી ગયું. તેનું અભિમાન કરવાથી તેમણે નરકનું આયુષ્ય બાંધ્યું અને પ્રસન્નચંદ્ર રાજર્ષિએ ક્રોધના વિચારથી સાતમી નરકે જવાય એવા પાપના દળિયા બાંધ્યા, પરંતુ પાછો પશ્ચાત્તાપ કરવાથી છૂટી ગયા. હવે તમે એક નિશાન મારો અને બરાબર ધારેલી જગ્યાએ નિશાન જાય તો તમને કેટલો આનંદ થવાનો ! એમાં પણ કોઈ જીવની હિંસા થઈ. કોઈ આતંકી કોઈથી પકડાતો નહોતો, મરાતો નહોતો ને તમારા દ્વારા મરાયો, તો તમને આનંદ થઈ ગયો. આ હિંસાનંદી રૌદ્રધ્યાન છે. ચોરી કરીને આનંદ કર્યો, નાની કે મોટી તે ચૌર્યાનંદી રૌદ્રધ્યાન છે. ચોવીસે કલાક કર્મના પરમાણુ ભેગા કરીએ છીએ, તે પણ એક પ્રકારની ચોરી જ છે. વેપારીઓ ટેક્સની ચોરી કરે, ચોરો રાતે ચોરી કરે, રાજકારણીઓ અનેક પ્રકારના મોટા ગોટાળાઓ કરે અને પાછું “મેં નથી કર્યું એ સાબિત કરવા માટે સુપ્રીમકોર્ટ સુધી લડે, આ ચૌર્યાનંદી રૌદ્રધ્યાન છે. ધનની અત્યંત મૂછ છે. હવે આ જીવો નરકમાં ન જાય તો બીજે ક્યાં જાય? ભલે એક ભવ લહેર કરી લે. તેમને ગમે તેટલો કર્મનો સિદ્ધાંત સમજાવો તો પણ કોઈ છોડવાના નહીં. એવા ગાઢ મિથ્યાત્વ, તીવ્ર મિથ્યાત્વનો તેમને ઉદય છે. એવી રીતે જે જગતના જીવો છે એ પણ આ પ્રકારના પાપો પ્રાયઃ કરતા હોય છે. હિંસાનંદી, મૃષાનંદી, ચૌર્યાનંદી અને પરિગ્રહાનંદી, આચાર્યશ્રીએ એક વખત અમને કહેલું કે સંસારી જીવોના ઘરના કબાટોમાં પાંચ ઈન્દ્રિયના વિષયોની બધી સામગ્રી ભરપૂર પડેલી હોય છે અને તેમાં અત્યંત આનંદ માને છે. આ વિષયસંરક્ષણાનંદી રૌદ્રધ્યાન છે.