________________
૪૭૨
છ પદનો પત્ર
આત્મા કર્તા છે.” તે વ્યવહારથી અને નિશ્ચયથી એમ બે પ્રકારે આપણે જાણવાનું છે. એક પડખાથી જાણીએ તો પૂર્ણ જાણ્યું કહેવાય નહીં, માટે બે પડખાથી જાણવાનું છે. આત્મા કર્તા છે તે વ્યવહારથી, નિશ્ચયથી નહીં. એવી જ રીતે વ્યવહારથી આત્મા કર્મનો ભોક્તા છે. નિશ્ચયથી કર્મનો ભોક્તા નથી. કોઈપણ દ્રવ્યનો કર્તા જીવે વ્યવહારથી છે, નિશ્ચયથી નથી. એમ વ્યવહાર અને નિશ્ચય બેય પડખાં સાપેક્ષપણે સ્વીકારીને નિર્ણય કરવાનો છે. રાગ-દ્વેષના ભાવનો કર્તા આત્મા છે તે વ્યવહારથી. અને રાગ-દ્વેષના ભાવનો કર્તા આત્મા નથી તે નિશ્ચયથી. બંને એક સાથે છે. કોઈ અપેક્ષાએ વ્યવહારથી પણ વિભાવકર્મનો આત્મા કર્તા નથી. આ તો જૈનદર્શન છે ભાઈ! હમણાં એમ આવ્યું કે આત્મા વ્યવહારથી વિભાવનો કર્તા છે અને નિશ્ચયથી નથી. હવે એક પડખાંથી એમ પણ કહે છે કે વિભાવ પરિણામનો કર્તા આત્મા નથી અને નિમિત્ત પણ આત્મા નથી.
મુમુક્ષુ: પરમશુદ્ધ નિશ્ચયનયથી?
સાહેબ : પરમશુદ્ધ નિશ્ચયનયથી નહીં, પણ નિમિત્ત તરીકે યોગ અને ઉપયોગ છે, આત્મા નથી, એ અપેક્ષાએ.
જીવનો યોગ અને ઉપયોગ નિમિત્ત છે, આત્મા નથી. વિભાવ થવામાં, રાગ-દ્વેષ થવામાં વ્યવહારથી જીવ તેનો નિમિત્ત કર્તા છે. પણ શુદ્ધ નિશ્ચયનયથી આત્મા કાંઈ કરતો નથી, પણ તેનો ઉપયોગ અને યોગ નિમિત્તભૂત થાય છે. માટે નિમિત્ત તરીકે મૂકો તો એને મૂકો, પણ આત્માને મૂકશો નહીં. એમ અનેક પડખાથી કર્તા-કર્મ અધિકાર સંકળાયેલો છે, તો દરેક પડખાંથી આપણે ક્રમે ક્રમે વિચાર કરીશું. તો આપણને તેનો સ્પષ્ટ રીતે ખ્યાલ આવશે.
મુમુક્ષુ: યોગ અને ઉપયોગ એ આત્મદ્રવ્યનો લીધો ને?
સાહેબ અશુદ્ધ ઉપયોગ, શુદ્ધ ઉપયોગમાં તો કર્તા-કર્મ છે જ નહીં. જ્ઞાનભાવ અને આનંદભાવનો કર્તાભોક્તા છે. કર્મભાવનો કે અન્ય ભાવનો કર્તા નથી. કોઈ અપેક્ષાથી આત્મા કર્તા છે. તેને એકદમ કર્તા નથી એમ માની લેશો તો પણ નકામું છે. કર્તા તો છે. કેમ કે, અજ્ઞાન ભાવ પણ આત્મા કરે છે. માટે, અશુદ્ધ નિશ્ચયનયથી આત્મા અજ્ઞાનભાવનો કર્તા છે. હવે એ કર્તાના ભેદ પાડે છે. સર્વ પદાર્થ અર્થક્રિયાસંપન્ન છે. અર્થક્રિયા એટલે પ્રયોજનભૂત ક્રિયા. દરેક દ્રવ્ય પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે છે. બિનપ્રયોજનભૂત કાર્ય કોઈ દ્રવ્ય કરતું નથી. એટલે દરેક દ્રવ્ય પોત-પોતાના પરિણામે પરિણમે છે. જીવ છે તે જ્ઞાનરૂપે પરિણમે છે.