________________
૫૧૨
છ પદનો પત્ર
રોકાશે ? આત્મજ્ઞાન થયા પહેલા અનંતાનુબંધી કષાય જ નથી રોકાતો, તો બીજા કષાયની તો વાત જ ક્યાં રહી !
સમ્યગ્દર્શન થયા વગર કષાયો રોકી શકાતા નથી. પત્રાંક - ૭૦૬માં પરમકૃપાળુદેવે કહ્યું છે કે, “ઘણે સ્થળે વિચારવાન પુરુષોએ એમ કહ્યું છે કે જ્ઞાન થયે કામ, ક્રોધ, તૃષ્ણાદિ ભાવ નિર્મૂળ થાય. તે સત્ય છે. તથાપિ તે વચનોનો એવો પરમાર્થ નથી કે જ્ઞાન થયા પ્રથમ તે મોળાં ન પડે કે ઓછા ન થાય. મૂળ સહિત છેદ તો જ્ઞાને કરીને થાય, પણ કષાયાદિનું મોળાપણું કે ઓછાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય.” આ મોળાં ન પડે તો જ્ઞાન ઉત્પન્ન થતું નથી.
નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહીં જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ.
—
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૩૨, ૩૮, ૩૯
કર્તાપણા કરતાં ભોક્તાપણું અગત્યનું છે. કેમ કે, ભોક્તાપદનું ભાન આવશે તો કર્તાપણું કરતાં અટકશે. આ ભોગવવામાં આવે છે એમ સમજશે તો બાંધતી વખતે અટકશે. આ ભોગવું છું એ આનું ફળ છે એમ નહીં સમજે, તો બાંધતી વખતે એ જાગૃતિ નહીં રાખે. મને જે ફળ મળ્યું છે એ બીજાના બાંધેલાનું નથી મળ્યું, મારા પોતાના બાંધેલાનું મળ્યું છે. જો આટલું જીવ અંદ૨માં તત્ત્વદૃષ્ટિથી સમજશે તો નવું બાંધવાના ભાવ કરતાં એ અટકશે. ના અટકે તો આપણા શ્રદ્ધા અને સમજણ સાચા નથી. આપણે કાંઈ મુનિ જેવા અકષાયભાવ ન રાખી શકીએ, પણ આપણી ભૂમિકાને અનુસાર કષાયભાવને અવશ્ય ઘટાડવા જોઈએ અને ઘટાડવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ. કોઈ બળવાન ઉદય આવી જાય અને આપણે ઘણું રોકતા પણ હોઈએ છતાંય પણ નથી રોકાતા, એવું પણ ઘણી વખત બની જાય છે. તો પણ અભ્યાસ એ જ એનો ઉપાય છે. બીજો કોઈ છૂટકો નથી. ભાઈ ! છૂટવું છે અને મોક્ષે જવું છે તો કષાય કરીને તો કોઈ ગયું નથી. જેણે કષાય મૂક્યા એ ગયા છે.