________________
૬૬૧
દુર્લભ એવો મનુષ્યદેહ
નહિ તૃષ્ણા જીવ્યા તણી, મરણયોગ નહિ ક્ષોભ; મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતલોભ.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૫૪ -૧/૧૧ જ્ઞાનીને જીવવાની તૃષ્ણા નથી અને મરણમાં ભય નથી, ક્ષોભ નથી કે ચંચળતા નથી. મોક્ષમાર્ગના મહાપાત્ર જીવ મુનિઓ છે.
મરણની આકરી ઘાટી આખરે આવવાની છે ને,
આ રૂપાળી દેહને આખરે બાળવાની છે. આ દેહ છે એ મસાણની માટી છે એમ કહે છે. મડદાને શણગાર શું હોય? મર્દ છે એને વળી શણગારવાનું શું? તેનો ગમે ત્યારે વિયોગ થાય તો પણ જ્ઞાનીઓ તૈયાર હોય છે. જેવી રીતે બોર્ડર ઉપર મિલીટરી ૨૪ કલાક એલર્ટ હોય છે, તેવી રીતે જ્ઞાની પણ ૨૪ કલાક એલર્ટ રહે છે. કેમ કે, દુશ્મનો ગમે ત્યાંથી ઘૂસી શકે છે. વાડ તોડીને પણ ઘૂસી જાય એટલે જાગૃતિ રાખવી, વાડ બાંધેલી હોય તો પણ જાગૃતિ રાખવી પડે. તમે ગમે તેટલું ધ્યાન રાખો તો પણ દુશ્મનો ઘૂસી જાય છે અને આત્માને નુક્સાન કરી નાંખે છે.
તમારે અહીંથી મુંબઈ જવું છે અને રીઝર્વેશન નથી અને દસ વાગ્યાનો ગુજરાત મેલ છે. તો તમે નવ-સવા નવ વાગ્યે સ્ટેશન ઉપર પહોંચી જવાના. રીઝર્વેશનવાળા છેક છેલ્લી ઘડીએ આવે તોપણ એને વાંધો નથી. તમને વાંધો આવે. કોઈ ખાલી ડબ્બામાં જગ્યા મળી જાય એ માટે તમારે છેક સુધી પ્રયત્ન રહેવાનો. એમ મોક્ષમાર્ગમાં રીઝર્વેશનવાળાને કોઈ ચિંતા નથી. જો કે, અહીં તો જેને રીઝર્વેશન નથી એને પણ ચિંતા નથી ! જો જ્ઞાની કહે કે કરી લે, નહીં તો પછી હેરાન થઈ જઈશ; તો જીવ કહે છે કે પડશે એવી દેવાશે. તમે શું કામ અમારી ચિંતા કરો છો? અમે અમારી ચિંતા નથી કરતા ને તમે અમારી ચિંતા શું કામ કરો છો !! પછી નરકમાં એવી દેવાય છે કે જોનાર, સાંભળનાર કે બચાવનાર કોઈ હોતું નથી. એકલાને જ ભોગવવું પડે છે. આજ દિન સુધી જેટલા કર્મ બાંધ્યા એના ફળ એકલાએ જ ભોગવ્યા છે. કોઈએ સહાય કરી નથી. ઘરવાળા હોય કે બહારવાળા હોય કે કોઈ પણ હોય. પરમકૃપાળુદેવે કહ્યું છે,
શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય; એ ભોગવે એક સ્વ આત્મ પોતે, એકત્વ એથી નયસુજ્ઞ ગોતે.
– શ્રીમદ્ રાજચંદ્ર - પૃ. ૪૦ - એકત્વ ભાવના