________________
૪૬૭
છ પદનો પત્ર રોગનું ઘર છે. તમે મહેમાન છો. મહેમાન માલિકને કાઢે ? ભાડુઆત માલિકને કાઢે ? એ ન્યાય છે કે અન્યાય છે? અન્યાય છે એમ જ્ઞાનીઓ કહે છે.
દેહની કોઈપણ અવસ્થા આત્માના કહેવાથી થતી નથી અને આત્માના કહેવાથી અટકતી પણ નથી. દેહની અવસ્થા દેહના કારણે થાય છે, દેહના કારણે મટે છે અને જે થાય છે તે તેના કારણે થાય છે. આપણા કારણે થતું નથી.
મુમુક્ષુ: એવી સમજણ ક્યારે ટકે
સાહેબ : જ્ઞાન થાય ત્યારે. જ્ઞાન હાલ કરો તો હાલ થાય. જ્ઞાન ક્યારે થાય એ તો તમારા પુરુષાર્થ પર આધાર છે.
જીવ જ્યારે જ્ઞાનનો પુરુષાર્થ કરી તેને અંદરમાં પ્રગટ કરે ત્યારે પામશે. જીવ પોતે સમ્યક્ પુરુષાર્થ કરે તો હાલ પામે. અત્યારે આ ક્ષેત્રમાં, આ ઘડીએ, આ સમયે પામે. જ્ઞાન પામવા માટે કંઈ રાહ જોવી પડતી નથી. જો જીવનું મૂળસ્વરૂપ, સ્વભાવ દૃષ્ટિમાં આવે અને તે તેના ઉપયોગમાં નજરાય તો હાલ તેને જ્ઞાન થાય. શર્ત ફક્ત એટલી જ કે ઉપયોગ અંતર્મુખ થવો જોઈએ અને અંદરમાં ટકવો જોઈએ.
આવો આત્મા અસંયોગી હોવાથી અવિનાશી છે. કેમ કે, જેની કોઈ સંયોગોથી ઉત્પત્તિ ન હોય તેનો કોઈને વિષે લય પણ હોય નહીં. પરમકૃપાળુદેવે આ સિદ્ધાંત સ્થાપિત કર્યો છે. જેમ માટીનો ઘડો ફૂટી જાય તો તે ઠીકરા રૂપે થાય. ઠીકરાનો ભૂક્કો ભેગો થાય તો તે માટી રૂપે થાય, પણ ભૂકો સૂક્ષ્મમાં સૂક્ષ્મ રૂપે પણ રહેવાનો. છેવટે પરમાણુ તરીકે રહેવાનો, પણ ઘડાની પર્યાય ના રહે, કેમ કે તેની ઉત્પત્તિ થઈ છે. પણ મૂળ પરમાણુની ઉત્પત્તિ નથી થઈ. તો ભાંગતો ભાંગતો, તેનો ભૂકો થતો થતો છેક પરમાણુ સુધી પહોંચી જાય અને એ પરમાણુ પાછા અન્ય સંયોગમાં આવી, બીજા આકારરૂપે થઈ જાય. એમ તેની અવસ્થા પલટાયા કરે. પણ, આત્મા એવી કોઈ રીતે અવસ્થાંતર થતો નથી. કેમ કે, તે મૂળ દ્રવ્ય છે.
ઘડો તો સાંયોગિક દ્રવ્ય હતું અને તેમાં પરમાણુ છે તે મૂળ દ્રવ્ય હતું. એ પરમાણુની અનેક અવસ્થાઓ અને સ્કંધો ભેગા થવાથી તે ઘડારૂપે થયું. કેમ કે, એનામાં સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ નામનો ગુણ છે, પણ આત્મામાં એવો સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ ગુણ નથી કે જેથી બે આત્મા મળી જાય. જેમ પરમાણુ પરમાણુ મળી શકે છે તેમ આત્મા આત્મા મળી શકતા નથી. ઘણા એમ કહે છે કે અમારા દેહ જુદા છે, પણ આત્મા એક છે. એ મોહનો કેફ છે. અરે ભાઈ!