________________
શું સાધન બાકી રહ્યું ?
૧૩૩
જે પદાર્થો તમને રાગ-દ્વેષમાં નિમિત્ત થાય છે, તે જ પદાર્થો તમને કેવળજ્ઞાનમાં ને આત્મકલ્યાણમાં પણ નિમિત્તભૂત થાય છે. ‘જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ.' માટે, દૃષ્ટિ સ્વચ્છ કરો, તો સૃષ્ટિ સ્વચ્છ લાગશે. બસ ભૂલ અંદરમાં પડી છે અને ભૂલને કાઢવા બહારમાં પ્રયત્નો કરીએ છીએ. જે આ પદમાં બતાવ્યા છે. સોય ઘરમાં ખોવાઈ છે અને શોધીએ છીએ બહાર, તેના જેવું છે. બધું છોડીને જંગલમાં પણ જતા રહ્યા, મૌનપણે રહ્યા - આવો વૈરાગ્ય હતો. પણ એ જંગલમાં પણ પાછું બીજું મંગલ વસાવે ! અજ્ઞાન છે એટલે કંઈ સાચી દિશામાં તો જવાનો નથી. ક્યાંક ને ક્યાંક એ આડો ફંટાવાનો જ છે. જ્યાં સુધી પરવસ્તુ, પરપદાર્થમાં આસક્તિ છે ત્યાં સુધી ત્યાગ નિષ્ફળ જાય છે. વસ્તુની આસક્તિ છૂટતી નથી, ત્યાં સુધી ત્યાગ નિષ્ફળ જાય છે. રાગ દૂર કર્યા વગર વૈરાગ્ય આવે નહીં અને વૈરાગ્ય વગર આત્માનું કલ્યાણ થાય નહીં.
‘શ્રી મોક્ષમાળા’ ના શિક્ષાપાઠ - ૫૨માં પરમકૃપાળુદેવે લખ્યું છે કે વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે. માટે આસક્તિ તૂટે તો ત્યાગ સાચો કહેવાય. તમે ભલે મુંબઈ, અમદાવાદ કે બીજા ગામો છોડીને આવ્યા પણ ત્યાંની આસક્તિ છૂટી નથી. એટલે અહીં કલ્પનામાં તમે મુંબઈ, ચેન્નાઈ કે અમદાવાદ ઊભા કરશો ! આસક્તિ છૂટે તો તમે મુંબઈમાં હોવા છતાં મુંબઈમાં નથી અને આસક્તિ ના છૂટી તો તમે મુંબઈમાં ના હોવા છતાં મુંબઈમાં છો. માટે, આસક્તિ છૂટવી જોઈએ. જગતના જીવો બહા૨માં વખાણે તેવો ઉત્કૃષ્ટ વૈરાગ્ય અને ત્યાગ કર્યો, જંગલમાં બધું છોડીને જતો રહ્યો, મૌન થઈ ગયો, મુનિ થઈ ગયો, છતાં જ્ઞાન નહોતું એટલે ત્યાં પણ રાગ-દ્વેષ કર્યા. ગુફામાં બેસીને પણ સંકલ્પ-વિકલ્પ કર્યા, ગુફામાં બેસે એટલે થોડો નિર્વિકલ્પ થઈ ગયો ? એકાંતમાં જવાથી નિર્વિકલ્પ થોડું થવાય ? દશા વગર નિર્વિકલ્પપણું આવે નહીં, અને નિર્વિકલ્પતા આવ્યા વગર સંકલ્પ-વિકલ્પ જાય નહીં અને સંકલ્પ-વિકલ્પ હોય ત્યાં સુધી આત્માનું કલ્યાણ થાય નહીં. જુઓ ! શ્રીમદ્ભુએ બહુ ચોટ મારીને જગાડ્યા છે. અજ્ઞાની જીવનો વૈરાગ્ય ઉ૫૨ ઉપરનો છે. તેનો વૈરાગ્ય કાં તો દુઃખગર્ભિત કાં તો મોહગર્ભિત કાં તો પરિસ્થિતિને અનુરૂપ હોય છે, પણ જ્ઞાનગર્ભિત હોતો નથી.
દેઢ આસન પદ્મ લગાય દિયો.
આસનની સ્થિરતા પણ ઘણી કરી. ચોવીસ-ચોવીસ કલાક, અડતાલીસ-અડતાલીસ કલાક અથવા ઘણા સમય સુધી પદ્માસન, ખડ્ગાસન, અર્ધ પદ્માસન કે શવાસનમાં સ્થિર રહ્યો. એમ ઘણા આસન કર્યા. આસનસિદ્ધિ થઈ ગઈ, પણ આત્મસિદ્ધિ ના થઈ ! જુઓ !