________________
૬૦૬
છ પદનો પત્ર
હું આટલો બધો પ્રયત્ન કરું છું છતાં મારો ઉપયોગ બહાર દોડી જાય છે અને આમને આટલા બધા ઉદયોની વચમાં પણ ઉપયોગ આત્માનો આશ્રય છોડતો નથી અને પરમાં તાદાત્મ્ય થતો નથી. ત્યારે તેને સત્પુરુષનું સ્વરૂપદૃષ્ટિથી બહુમાન આવે છે, અહોભાવ આવે છે. અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, સદ્ગુરુ તો ગુણોના ભંડાર છે. એમના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર - આ જે આત્મિક ગુણોનો વૈભવ એમની સમજમાં દેખાય છે અને તેના ઉપર એમની દૃષ્ટિ જાય છે. અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થાય છે. અત્યાર સુધી દૃષ્ટિમાં બધાના દોષ દૃષ્ટિગોચર થતાં, હવે તેનામાં શિષ્યત્વ આવ્યું એટલે તેને સત્પુરુષના ગુણ દૃષ્ટિગોચર થાય છે. પછી તેનો સ્વચ્છંદ ટળી જાય છે અને સહેજે આત્મબોધ થાય. સહેજે આત્મજ્ઞાન થઈ જાય છે. કરાવવું પડતું નથી, થઈ જાય છે. ફળ વૃક્ષ પર પાકે છે ત્યારે પાડવું પડતું નથી, સ્વયં પડી જાય છે.
ज्ञानस्य फलं विरतिः ।
જ્ઞાનનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ વિરતિ છે. તેનો સ્વચ્છંદ ટળી જાય છે અને સહેજે આત્મબોધ થાય. હવે તેનો ઉપયોગ આત્મા બાજુ વળે છે. અત્યાર સુધી તેનો ઉપયોગ બનાવો અને નિમિત્તો બાજુ વળી, તેના વિકલ્પોમાં કામ કરતો હતો. હવે તે કર્મના ઉદયના વિકલ્પોને પણ છોડે છે અને બાહ્ય નિમિત્તના વિકલ્પોને પણ છોડે છે. તે વખતે પણ તે આત્મજાગૃતિ રાખી, ઉપયોગને આત્મા બાજુ વાળતો જાય છે. ભલે બોધ ના આપે તો પણ તેમની સાથે રહેવાથી, તેમની ચર્ચા જોવાથી આ બધું શીખવા મળે છે. હર ચર્યામાં તેમની આત્માની જાગૃતિ હોય છે. ભલે અવિરતિ સમ્યક્દષ્ટિ હોય તો પણ ! વિરતિવાળા તો હોય જ, પણ અવિરત સમ્યષ્ટિ પણ કોઈ પણ કાર્ય ઉપયોગની અજાગૃતિમાં થવા દેતા નથી, જેને અભીક્ષ્ણ જ્ઞાનોપયોગ કહે છે.
એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો !
સત્પુરુષોએ ભક્તિનું નિરૂપણ કર્યું કે સાચા સદગુરુની આવી ભક્તિ કરો. સદેવની આવી ભક્તિ કરો અને સદૈવે જે મોક્ષમાર્ગ પ્રરૂપ્યો તેની આવી ભક્તિ કરો. આજીવન ભક્તિમાં ને ભક્તિમાં રહે તો સમાધિમરણ પ્રાપ્ત થાય છે.
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું; રહે ચરણકમળમાં ધ્યાન, પ્રભુ એવું માગું છું.