________________
૬૪૭
દુર્લભ એવો મનુષ્યદેહ ન માનવાના કારણે ઉપાદાનની યોગ્યતા હોવા છતાં પણ તે કાર્યની સિદ્ધિ કરી શક્યો નહીં.
- દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં. એટલે સમ્યગ્દર્શન પ્રગટ થયું નહીં. સફળપણું એટલે રત્નત્રય. રત્નત્રયની પ્રગટતા થઈ નહીં. રત્નત્રયની પ્રગટતા થાય તો સફળ અને રત્નત્રયની પ્રગટતા ન થાય તો ગમે તેટલું કર્યું, ગમે તેટલું મળ્યું એ બધું નિષ્ફળ. પરમકૃપાળુદેવે કહ્યું છે,
બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ! ભવચક્રનો આંટો નહિ એક્કે ટળ્યો.
– શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭ આંટો ઓછો થાય તો સફળપણું અને એકેય આંટો ઓછો ન થાય તો સફળપણું નહીં.
માટે બેચાર કલાક સાધના કરી ગયા, સામાયિક-પૂજા-ભક્તિ-સ્વાધ્યાય કરી ગયા, ધર્મની બીજી કોઈ ક્રિયાઓ કરી ગયા એટલે આપણે આપણી જાતને કૃતકૃત્ય માની લઈએ છીએ. પણ જ્યાં સુધી મિથ્યાત્વ મોળું પડ્યું નથી, ખર્યું નથી, ગ્રંથિભેદ થયો નથી ત્યાં સુધી તેના ઉપર મોક્ષમાર્ગનો સિક્કો નથી. ભલે, જેણે દેવ-ગુરુ-ધર્મમાં ને આત્મામાં દઢતા કરી છે, સાચી શ્રદ્ધા કરી છે તેનું કાર્ય વહેલું મોડું થશે ખરું, પરંતુ તે આ ભવની સફળતા ના કહેવાય.
તમારી દશ લાખની એફ.ડી. છે, જે બે દિવસ પછી પાકે છે, વીસ લાખ તમારા હાથમાં આવશે પણ અત્યારે એ કાગળિયું છે, એફ.ડી. નહીં. ભલે તમારા હાથમાં અત્યારે પૈસા નથી. પણ ભરોસો છે, વિશ્વાસ છે, શ્રદ્ધા છે કે આ જ એફ.ડી. બે દિવસ પછી મને વીસ લાખ આપવાની છે. એમ મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બનીછે-એક જ્ઞાની પુરુષની અને એક જ્ઞાનીપુરુષના સાચા આશ્રયવાનની. જે સાચો આશ્રયવાન થયો છે તેને એફ.ડી. પડી છે અને થોડા સમયમાં પાકવાની છે તેવી સ્થિતિવાળો છે. હવે આ મનુષ્યભવની સાર્થકતા ક્યારે કહેવાય એ કહે છે. પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા,
કયો મનુષ્ય દેહ કૃતાર્થ છે? કે જે મનુષ્ય દેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા. તે પણ બાહ્યદૃષ્ટિથી નહીં, મોક્ષમાર્ગની દૃષ્ટિથી કે આ મોક્ષગામી પુરુષ છે. આ પરમકૃપાળુદેવ એકાવતારી પુરુષ છે. આ પ્રમાણે તેમની ઓળખાણ કરી. શ્રીમાન્ આનંદઘનજી કહે છે,