________________
૨૧૫
શું સાધન બાકી રહ્યું ? તોય એ દુઃખી છે. કોઈ સુખી નથી. ૨૪ કલાક પૈસા પાછળ, આબરુ પાછળ અને જગતના પદાર્થો પાછળ દોડે છે એ સુખી કે દુઃખી? એને એક મિનિટ ભગવાનનું નામ લેવાનો સમય મળતો નથી, આત્માનું ધ્યાન કરવાનો સમય મળતો નથી. આત્માનું કલ્યાણ કરવાનો સમય મળતો નથી. જ્ઞાનીઓ એને સુખી કહેતા નથી. હજારો દેવો સેવક હોય તો શું થઈ ગયું?
એક શેઠના કારખાનામાં ૧૦૦૦ માણસ કામ કરે છે. એ દરેકને એકની જ આજ્ઞા આરાધવાની અને એક શેઠને હજારનું ધ્યાન રાખવાનું. તો સુખી કોણ ? એમ તમારે એક આત્માનું જ ધ્યાન રાખવાનું તો સુખી અને બીજા બધાનું ધ્યાન રાખશો તો દુઃખી છો. બીજા શું કરે છે? ક્યાં આવે છે? ક્યાં જાય છે? ક્યાં શું થાય છે? બધી પંચાત મૂકો. અનાદિકાળથી પંચાતો કરી, પણ શાંતિ મળી નહીં અને હજી પણ નહીં મળે, છે નહીં માટે. તો સાચો નિર્ણય કરો કે સુખ આત્મામાં છે. હું આત્મા છું અને મારો ઉપયોગ, મારું મન મારા આત્મામાં સ્થિર થાય તો જ મને સુખ અને શાંતિ મળે. આત્માથી બહાર હું ગમે ત્યાં ભટકીશ - ઉપયોગ દ્વારા, મન દ્વારા તો પણ મને સુખ કે શાંતિ મળવાની નથી.
થોડો સમય થાય એટલે તમે અહીંથી દોડશો કે મારે ઘેર જવું છે. મારા વિના બધું અપસેટ થઈ ગયું હશે અને ધંધા અસ્તવ્યસ્ત થઈ ગયા હશે ને વ્યવહારો બધા નષ્ટ થઈ જશે ! હવે ઈડર છોડીને મુંબઈ કે ચેન્નાઈ જઈએ તો શાંતિ કે અશાંતિ? પાછો કહે પણ ખરો કે શું થાય સાહેબ? સંસારમાં બેઠા છીએ એટલે કરવું પડે ને ! પાછું ટાઢા પાણીની ડોલ નાખી દઈએ છીએ. જો કે, ઈડરમાં પણ શાંતિ નથી. શાંતિ આત્મામાં છે. ગુફામાં પણ શાંતિ નથી. ગુફામાં શાંતિ હોય તો સિંહ, વાઘ વધારે શાંતિમાં હોય. એ તો વધારે અશાંત છે. એ તો ગુફામાં જ રહે છે. તમે તો રૂમમાં રહો છો. એ તો ૨૪ કલાક ગુફામાં અને છતાંય એને શાંતિ નથી. જ્યાં જ્ઞાન છે ત્યાં શાંતિ છે. આત્મજ્ઞાન છે ત્યાં શાંતિ છે. આત્માનો ઉપયોગ આત્મામાં સ્થિર થાય ત્યાં શાંતિ છે. બહાર ગમે ત્યાં શાંતિ શોધશો, ક્યારેય મળવાની નથી, કેમ કે છે નહીં. અનાદિકાળથી આપણે બહાર ખૂબ શોધ્યું પણ, આપણને શાંતિ મળી નહીં અને હજુ પણ મળશે નહીં. જ્યારે પણ, જેને પણ શાંતિ મળશે, ત્યારે તેને તેના આત્મામાંથી જ મળશે, આત્માથી બહાર નહીં મળે. દેહમાં પણ શાંતિ નથી, આ દેહ તો જડ છે, નાશવંત છે અને આપણે તો અવિનાશી શાશ્વત છીએ. શાંતિ સ્વાધીન છે અને અશાંતિ પરાધીન છે. જેટલા જેટલા પરને આધીન થશો તેટલી અશાંતિ ને દુઃખ વધવાના અને જેટલા જેટલા સ્વરૂપને આધીન થઈને સ્વરૂપમાં સ્થિર થઈને રહેશો તેટલી તેટલી શાંતિ ને આનંદ વધવાના.