________________
દુર્લભ એવો મનુષ્યદેહ
૬૫૭
કેમકે, ગમે ત્યારે ઉદય કે નિમિત્ત આવે ત્યારે જીવ ગોથું ખાઈ જાય છે. છેક સુધી બરાબર ચાલતો હોય, બાર મહિના સુધી કંઈ ન થયું હોય, વર્ષો સુધી તપશ્ચર્યાઓ કરી હોય, ધ્યાન કર્યા હોય અને જ્યાં કંઈક એવા નિમિત્ત આવે છે ત્યાં હજારો વર્ષની સાધના બે ઘડીના ક્રોધની અંદરમાં કે કષાયની અંદર જીવ ગુમાવી નાખે છે. એવા કંઈક દાખલાઓ શાસ્ત્રોમાં છે. જેમ કે, દ્વિપાયન મુનિ કે જેમણે ઘણા વર્ષોની સાધના થોડા જ સમયમાં ધોઈ નાંખી.
કષાયભાવ અંતરંગમાં વિશેષ જોર ન કરી જાય એની, વિષયોનો ભાવ વિશેષ જોર ન કરી જાય એની, જગતના કોઈપણ પદાર્થમાં આકર્ષણ ન થઈ જાય એની ખૂબ જાગૃતિ રાખવાની છે. અજ્ઞાની જીવ તમારા પ્રત્યે રાગ કરશે, મોહ ક૨શે; પણ તમે એના પ્રત્યે રાગ કે મોહ કરવા જશો તો માર ખાઈ જશો. કાળા કપડાવાળાને કોલસાની કોટડીમાં શું નુક્સાન છે ? સફેદ કપડાવાળાને જાળવવું પડે છે. દા.ત. બહેને કહ્યું હતું કે તમે ઘેર આવજો, હું ચાર દહાડા અહીં છું જ. પણ આપણે ચાર કલાક પણ બગાડવાની શું જરૂર છે ? આપણે થોડું મળી લીધું તો બહુ થઈ ગયું. એમને રાગ હોય એવો રાગ આપણે ક૨વા જઈએ તો માર ખાઈ જઈએ. એમને હોય, એ એમની ભૂમિકા છે, પણ આપણી ભૂમિકામાં એવો રાગ કરવાનો હોય નહીં. સહજપણે મળીએ ત્યારે ઠીક છે, પણ છૂટા પડીએ એટલે ઝભ્ભો ખંખેરીને રવાના.
આત્મા ઉપર દુનિયાની કોઈ રજ મોહની કે રાગની લાગવી ન જોઈએ. અંદરથી છૂટા
રહેવું.
અહો ! સમદષ્ટિ આતમા, કરે કુટુંબ પ્રતિપાળ; અંતર્ગત ન્યારો રહે, જ્યું ધાવ ખિલાવે બાળ.
જ્ઞાની અંદરમાં ન્યારા રહે. એ રાગમાં લપટાય નહીં. લપટાય તો જ્ઞાની શેના? કષાયમાં લપટાઈ જાય તો જ્ઞાની શેના ? ભૂમિકા અનુસાર એમના કષાય તૂટી જ જાય. માટે રાગ કરવો નહીં અને ક૨વો તો સત્પુરુષ અથવા સન્દેવ-ગુરુ-ધર્મ ઉપર કરવો. દ્વેષ કરવો નહીં અને ક૨વો તો કુશીલ ઉ૫૨ ક૨વો, ખોટા ભાવ ઉપર કરવો, ઊંધા આચરણ ઉપર કરવો એમ પરમકૃપાળુદેવે કીધું છે.
અંતરમાં એકત્વબુદ્ધિ હશે તો જ્યારે સંયોગનો વિયોગ થશે ત્યારે બહુ દુ:ખદાયક થશે. સંયોગી દેહમાં એકત્વબુદ્ધિ નહીં હોય તો તમે હસતા હસતા સમાધિમરણ કરીને, દેહત્યાગ કરીને ક્લેવર ફેંકીને નીકળી જશો. છેલ્લાં સમયે બહુ ધ્યાન રાખવાનું છે. બીમાર હોઈએ અને