________________
છ પદનો પત્ર
૪૪૯
બધાંય નીકળી ગયા. લીટીવાળો ઝભ્ભો તો એક જ ભાઈનો છે. માટે, આ જ છે. બીજો કોઈ નથી. ખ્યાલ આવે છે ? ભેદજ્ઞાન કેવી રીતે થાય છે. તેનું આ એક દષ્ટાંત છે. પછી છેલ્લે આવ્યું કે ઈલેક્ટ્રીકની સ્વીચ પાસે બેઠા છે. પછી તો એકદમ નક્કી થઈ ગયું કે આ જ ભાઈ છે. ભલે નથી જાણતો, નથી ઓળખતો તો પણ લક્ષણ દ્વારા તેમને જુદા પાડ્યા એમ જ્ઞાયકપણાના ગુણ દ્વારા આત્માને સર્વ પદાર્થોથી જુદો પાડી શકાય છે.
જે દષ્ટા છે દષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. · શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૫૧
—
પેલા મગર અને વાંદરાની વાત આવે છે ને ! મગર વાંદરાને કહે કે મારે તારું કાળજું ખાવું છે, ત્યારે વાંદરાએ કહ્યું, “કાળજું તો હું ઝાડ ઉપર મૂકીને આવ્યો છું. તમે કીધું હોત તો હું લેતો આવત ને.” એમ કોઈ કહે કે ભાઈ તમારું જ્ઞાયકપણું ક્યાં છે ? તો કહે કે ઘરે મૂકીને આવ્યો. અરે ભાઈ ! એ તારી સાથે જ છે. તું નિગોદમાં જાય તો પણ સાથે લઈને જાય અને સિદ્ધલોકમાં જાય તો પણ સાથે લઈને જાય. એ જ્ઞાયકપણા રહિત જીવ એક સમય પણ હોઈ શકતો નથી. એક સમય જ્ઞાયકતા વગરનો જીવ હોતો નથી. વિચાર તો કરો ! જ્ઞાનીઓએ હથેળીમાં આત્મા આપી દીધો છે. હવે જો પકડતા ન આવડે તો આપણો દોષ છે. જ્ઞાયકજ્ઞાયક-જ્ઞાયક, જાણનાર-જાણનાર-જાણનાર જે અખંડ સત્તા છે તે તારું સ્વરૂપ છે. એ તારી સ્વતંત્ર સત્તા છે. તે તું છો. અબાધ્ય અનુભવ જે રહે એટલે જ્ઞાયકતા રહે, તે છે મુજ સ્વરૂપ.
કોઈ પણ સમયે જ્ઞાયકરહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં, અને તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિષે જ્ઞાયકપણું સંભવી શકે નહીં, આ અસાધારણ લક્ષણ છે. સાધારણ લક્ષણ નથી. જ્ઞાન, દર્શન, આનંદ આ બધા આત્માના અસાધારણ લક્ષણો છે. બીજા પદાર્થમાં આ જ્ઞાયકપણું સંભવી શકતું નથી. એવું જે અત્યંત અનુભવનું કારણ જ્ઞાયકતા તે લક્ષણ જેમાં છે તે પદાર્થ, તીર્થંકરે જીવ કહ્યો છે. આવું તે અનુભવનું કારણ, અનુભવનું લક્ષણ છે. આત્માનો અત્યંત અનુભવ આ જ્ઞાયકપણા દ્વારા થાય છે. અત્યંત અનુભવનું કારણ જ્ઞાયકતા તે લક્ષણ જેમાં છે તે પદાર્થ તીર્થંકરે જીવ કહ્યો છે. જેમાં છે એટલે અનંત ગુણોમાંનો એક ગુણ છે. આત્મા જ્ઞાયકતા જેટલો નથી પાછો. આ તો ભેદ પાડીને સમજાવવા માટે બધો વ્યવહાર કરવો પડે છે. બાકી આત્મા ફક્ત જ્ઞાયકતાવાળો નથી. આત્મા તો અનંત ગુણોનો અભેદ પિંડ છે. ગુણ ગુણીને અભેદ સંબંધ છે અને જ્ઞાન ગુણની મુખ્યતા છે.