________________
છ પદનો પત્ર
કારણ અંદરમાં દઢ નિશ્ચય નથી કે હું અજર, અમર, અવિનાશી, શાશ્વત છું. પોતાના અસ્તિત્વનો નાશ થવાનો ભય લાગે છે. અસ્તિત્વનો નાશ થવાનો હોત તો અનાદિકાળના પરિભ્રમણમાં કોઈક ભવમાં – નિગોદના ભવમાં કે એકેન્દ્રિય કે તિર્યંચના ભવમાં કે નારકીના ભવમાં ક્યારનો થઈ ગયો હોત. જગતનાં પદાર્થો પ્રત્યેનો જીવનો મોહ એટલો બળવાન હોય છે કે ધર્મના માર્ગે વળેલા જીવને પાછો સંસારમાં નાંખી દે છે.
૫૮૮
આ મોહબુદ્ધિમાં જીવને અનાદિકાળથી એકાગ્રપણું ચાલ્યું આવે છે. એનો જ્યારે ભેદવિજ્ઞાન દ્વારા વિવેક કરે છે, ત્યારે મોહના કારણે તે પાછો મુંઝાઈ જાય છે કે મારું કોઈ નહીં? આ બધા ઘરમાં છે, એ પણ મારા નહીં ? અરે પ્રભુ ! તું ત્રિકાળ એકાકી છું ! દરેક દ્રવ્ય એકાકી છે અને દ્રવ્ય એકાકી રહે એમાં જ એમની શોભા અને શાંતિ છે. જ્યારે સંસારી જીવ પા કલાક પણ ઘરમાં એકલો હોય તો ઉંચોનીચો થઈ જાય છે. ઘણાં મોબાઈલમાં આમ-તેમ રમતો રમતાં હોય, કાં તો ટીવી ચાલુ કરે, પેપર વાંચે. પણ, એકલા રહીને આત્માના અસ્તિત્વ સાથે જોડાણ કરવાનું જીવ ગભરાય છે અને તે મોહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવાનો યોગ પૂર્વકાળે ઘણીવાર બન્યો છે.
જે દઢતા આવવી જોઈએ એ નથી આવતી. ગ્રંથિભેદ સુધી આ જીવ અનંતવાર આવ્યો, પણ ગ્રંથિને ભેદવામાં જે વીર્યબળ જોઈએ, જે કાંઈ નિમિત્તો જોઈએ તે મળતાં નથી. પાંચ લબ્ધિ છે એમાં ચાર લબ્ધિ સુધી તો જીવ અનેકવાર આવ્યો છે, પણ કરણલબ્ધિના પુરુષાર્થમાં નથી આવ્યો. મોહની ગ્રંથિ કરણલબ્ધિના પુરુષાર્થમાં આવ્યા વગર છેદાતી નથી અને ત્યાં ખૂબ જાગૃતિ અને બળની જરૂર પડે છે, પુરુષાર્થની જરૂર પડે છે. આજુબાજુના સંજોગોમાં એવા નિમિત્તોની ઉપસ્થિતિ હોય તો એ બધાં આના પ્રેરકબળ છે.
ઘણીવાર એવું બન્યું છે કે છેક સમ્યગ્દર્શનની નજીકમાં આવીને જીવ પાછો આવ્યો છે. કેમ કે, જેનો અનાદિકાળથી અભ્યાસ છે તે અત્યંત પુરુષાર્થ વિના, અલ્પકાળમાં છોડી શકાય નહીં. આ બધાં બાહ્ય પદાર્થોનો પરિચય ક્યારનો છે ? અનાદિકાળનો અને આ છ પદનો પરિચય ક્યારથી છે ? થોડાં સમયથી. અને તે પણ કેટલો ? પર્યુષણના આઠ દિવસ પૂરતો અથવા શિબિર પૂરતો. પછી ? જુઓ ! મનુષ્યભવમાં આવીને પણ આત્માનું માહાત્મ્ય ન આવ્યું તો એ પશુતુલ્ય જ કહેવાય. આત્માને કર્મથી મુક્ત કરવાનો પુરુષાર્થ જો મનુષ્યભવમાં ના જાગે, મોહનો ક્ષય કરવાનો પુરુષાર્થ ના જાગે, જ્ઞાનીપુરુષનો બોધ હૃદયમાં ઊંડો ના ઉતરે, એમના બોધ અનુસાર અંદરમાં વિચારધારા અને ભેદવિજ્ઞાનનો પુરુષાર્થ ના જાગે અને મુમુક્ષુતાના