________________
ક્ષમાપના
૩૭
આત્માનું સ્વભાવપરિણમન છે. ભગવાન સમયે સમયે સ્વભાવપરિણામી છે. એટલે સમયે સમયે અનંતો આનંદ ભગવાન અનુભવી રહ્યા છે. એવો આનંદ દુનિયામાં કોઈને પણ નથી. નિરાકુળતાયુક્ત આનંદ છે. જગતના જીવોના જે બાહ્ય આનંદ છે એ બધા આકુળતા - વ્યાકુળતાયુક્ત છે, આગ્નવ-બંધયુક્ત છે. ભગવાનનો આનંદ નિરાફ્સવ છે અને નિરાકુળ છે. એવા ભગવાનની ઓળખાણ કરો તો તમને અંશે આનંદ મળ્યા વગર રહે નહીં, પ્રગટ્યા વગર રહે નહીં.
કષાયોના પરિણામના કારણે આનંદ અવરાયો છે. રાગ-દ્વેષ-મોહના પરિણામ સ્થળ ઉપયોગમાં પકડાતા નથી. એના કારણે આનંદનું આવરણ છે. જેટલા જેટલા અંશે રાગ-દ્વેષમોહના પરિણામ ઘટતાં જાય તેટલા તેટલા અંશે આનંદની અનુભૂતિ થતી જાય. તો જ્ઞાની પુરુષ અંશે આનંદરૂપ છે અને ભગવાન પૂર્ણ આનંદરૂપ છે. આત્માને જાણવાથી થતાં આનંદસ્વરૂપ ભગવાન આત્મિક સુખવાળા છે. આત્મામાં ઉપયોગને સ્થિર કરવાથી ભગવાન અનંત આનંદવાળા છે. આત્મિક આનંદમાં કોઈ ઈન્દ્રિયો કે મનનું અવલંબન નથી. અતીન્દ્રિય છે, અવ્યાબાધઅબાધિત છે. કોઈ પૈસાનો ખર્ચો નહીં, કોઈ દોડધામ કરવાની નહીં, કોઈ સમારંભો કરવાના નહીં ને છતાંય આનંદ! મોટી સભાઓ ભરાણી હોય ને તમે કંઈ સારું બોલો ને લાખો માણસો તાળીઓ પાડે ને આનંદ આવે, પણ એ આનંદ કૃત્રિમ છે, સાચો આનંદ નથી. સાચો આનંદ તો યોગીઓને જંગલમાં આત્માના સ્વરૂપમાં ઉપયોગની એકાગ્રતાથી પ્રાપ્ત થાય છે. સાચા આનંદના અધિકારી જ્ઞાનીઓ છે, મુનિઓ છે અને સંસારી જીવને જે આનંદ છે તે તો વિભાવોની વિકૃતિના કારણે છે. કોઈને ભમરી કરડી ગઈ હોય ને સોજા આવે તો એ જાડો નથી.
સાચો આનંદ પરાધીન નથી, સ્વાધીન છે. એમાં કોઈ પરની જરૂર પડતી નથી. લોકો તાળીઓ પાડે ને આનંદ થાય એ આનંદ પરાધીન આનંદ છે અને સ્વાધીન આનંદના કર્તા - ભોક્તા તો તમે પોતે જ છો. બહારમાં બીજું કોઈ કર્તા – ભોક્તા નથી, ફક્ત નિમિત્ત છે. ભગવાન નિમિત્ત છે, પણ કર્તા નથી. બીજાના આનંદના કર્તા કે ભોક્તા ભગવાન નથી. પોતાનો આનંદ પોતે જ ભોગવી શકે, મારો આનંદ તમે ભોગવી ના શકો, તમારો આનંદ હું ના ભોગવી શકું. એટલે જ્ઞાન, દર્શન, આનંદ એ માપવાની કે લેવાની ચીજ નથી. એ અનુભવવાની ચીજ છે, સ્વસંવેદનગમ્ય છે. ટી.વી. જુઓ ને તમને આનંદ આવ્યો એ આકુળતાયુક્ત આનંદ, આગ્નવબંધયુક્ત આનંદ છે; જે વર્તમાનમાં પણ દુઃખનું કારણ છે અને ભાવિમાં પણ દુઃખનું કારણ છે.