________________
શું સાધન બાકી રહ્યું ?
૨૪૯
ગમે તેવી સ્થિતિ આવે એના પ્રત્યે તમે લક્ષ નહીં આપો તો તમારો કોઈ વાળ વાંકો કરી શકે તેમ નથી. પુણ્યનો ઉદય હોય કે પાપનો ઉદય હોય, શાતાનો ઉદય હોય કે અશાતાનો ઉદય હોય, અનુકૂળ નિમિત્ત હોય કે પ્રતિકૂળ નિમિત્ત હોય, બધામાં મારા ભાવ સુધરે એવો લક્ષ રાખો. અનુકૂળ નિમિત્તમાં રાગ ના થઈ જાય અને પ્રતિકૂળ નિમિત્તમાં દ્વેષ ના થઈ જાય. આ બન્ને રાગ અને દ્વેષ એ મોહની પેદાશ છે. એટલે એનું ધ્યાન રાખો. બસ, બીજું કંઈ ક૨વાનું નથી અને તમને કોઈ બાંધી શકે તેમ નથી કે જગતનો કોઈ જીવ છોડાવી શકે તેમ પણ નથી. બંધન-મુક્ત થવાની ક્રિયા તમારા હાથમાં છે. જ્યારે પાંચ સમવાય કા૨ણોનો યોગ થાય છે ત્યારે કાર્યની સિદ્ધિ થાય છે. તેમાં પુરુષાર્થની મુખ્યતા છે. પુરુષાર્થ કરો પણ કાળલબ્ધિ પાક્યા વગર પણ માત્ર પુરુષાર્થથી કાર્ય થવાનું નથી. માટે ધીરજ રાખવી.
કાળલબ્ધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ; એ જન જીવે રે જિનજી જાણજો રે, આનંદઘન મત અંબ. પંથડો નિહાળું રે, બીજા જિનતણો રે, અજિત અજિત ગુણધામ.
–
– શ્રી આનંદઘનજી કૃત શ્રી અજિતજિન સ્તવન વીતરાગી દેવ, ગુરુ અને ધર્મની જે જીવ પ્રશસ્ત ભક્તિ, સેવા કરે છે તે જીવોને ક્રમે કરીને, આશાના આરાધન દ્વારા સંસાર ઉપરની આસક્તિ ઘટવા માંડે છે અને જ્ઞાનીની આત્મદશાની ઓળખાણ થતાં તેમાં રુચિ પ્રગટે ત્યારે જે આત્માનો ઉપયોગ બહાર છે તે ફરીને પોતામાં સ્થિર થવાનો પુરુષાર્થ જાગે અને એ રીતે કર્મની સ્થિતિ ઘટતાં અને પરિણામની શુદ્ધિ થતાં કોઈ અપૂર્વ પળે આત્મસ્વરૂપનું દર્શન જીવને થઈ જાય છે. નિષ્કામ ભક્તિનું ફળ મુક્તિ છે. અજ્ઞાની જીવોની ભક્તિ સકામ હોય છે અને જ્ઞાનીઓના સાચા આશ્રયવાનની ભક્તિ નિષ્કામ હોય છે. નિષ્કામ ભક્તિ એટલે મોક્ષની પણ ઇચ્છા વગરની ભક્તિ. ઘણી વખત આપણે સત્સંગ, ભક્તિ, સ્વાધ્યાય વગેરે કરીએ છીએ, પણ આસક્તિ ઘટવાના બદલે ઉપરથી વધે છે.પહેલા અગિયાર વાગ્યે દુકાન જતા હતા, હવે નવ વાગ્યે જવા માંડે તો સમજવું કે આસક્તિ વધી છે.
પણ હવે આત્મસ્વરૂપનું માહાત્મ્ય આવતા પૈસા પાછળની દોટ મટી જાય છે. કેમ કે, પૈસામાં સુખ છે નહીં,પૈસામાં શાંતિ નથી, પૈસો આપણો થતો નથી અને એ પૈસાની પાછળ આત્માના પરિણામ અશુદ્ધ થઈ જાય છે, જેના કારણે શાંતિના બદલે અશાંતિ વધી જાય છે. સંતોએ કહ્યું છે કે સોયના નાકામાંથી ઊંટ પસાર થઈ જાય પણ પરિગ્રહધારીની ક્યારેય મુક્તિ
ના થાય.