________________
શું સાધન બાકી રહ્યું ?
પરિગ્રહ એ પાપ છે. આત્માને ચારે બાજુથી ગ્રહી લે છે. દુનિયાના સુખ પ્રત્યેની, સ્ત્રીપુત્ર-પૈસા પ્રત્યેની, દેહ પ્રત્યેની આસક્તિ ઘટે, મોહ ઘટે, સુખબુદ્ધિ ઘટે, એ જ ભક્તિનું કે સાધનાનું ફળ છે.
૨૫૦
સંસાર અસાર છે. એમાં કંઈ સાર નથી. જેમ કેળના ઝાડમાં થડ હોતું નથી, પણ દેખાય લીલુંછમ અને અંદર કંઈ ના હોય; તેમ સંસારના ગમે તેટલા પદાર્થો મળે અને ભોગવે, તે પણ કરોડો વર્ષ સુધી, તો પણ સંસારમાંથી શાંતિ મળવી સંભવિત નથી કેમ કે, શાંતિ અને સુખ એ આત્માનો ગુણ છે, પરનો ગુણ નથી.
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો ? લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો ? શું કુટુંબ કે પિરવારથી વધવાપણું, એ નય ગ્રહો; – શ્રી મોક્ષમાળા – શિક્ષાપાઠ - ૬૭
—
આ રોજ બોલીએ છીએ અને પાછું વધારતા જઈએ છીએ. જેમ મરચાંનો શોખીન ગાંઠિયાની જોડે મરચાંને બટકું ભરતો જાય. મરચાં વગર ગાંઠિયા પાછા ભાવે નહીં. પાછું ભાવનગરી લવિંગિયું મરચું હોય એટલે સીસકારા પાડતો જાય, આંખમાંથી ને નાકમાંથી પાણી નીકળે, જીભ તડ-તડ થાય અને હવે એને એમ થાય કે મરચાંને અડવું નથી, ખાવું નથી, પણ જ્યાં ગાંઠિયા મોઢામાં નાંખે ત્યાં પાછો મરચાં પર હાથ જાય. અલ્યા ! આટલું દુઃખ થાય છે તો હવે મૂકને. તેમ સંસારની આસક્તિના કારણે અનાદિકાળથી અનંતવાર આટલા બધા ચાર ગતિના દુઃખો જીવોએ ભોગવ્યા તો પણ એ પાછો ભૂલી જાય છે અને પાછું ફરી એ દુઃખ ઉત્પન્ન થાય તેવું પુનરાવર્તન કરી રહ્યો છે. આવવી જોઈએ અનાસક્તિ, એના બદલે થાય છે આસક્તિ. તો જ્ઞાની મળ્યા, જ્ઞાનીનો બોધ સાંભળ્યો, જ્ઞાનીના વચનો વાંચ્યા, બીજી અનેક પ્રકારની ધર્મની સાધના કરી અને જો આપણી સંસારની આસક્તિ ઘટી નહીં તો સમજવું કે આપણે રૂઢિ પ્રમાણે સાધના કરી છે. તત્ત્વને ઓળખીને સાચા પ્રકારે કરી નથી. જેમ સવારે ઊઠીને ચ્હા પીવાની તેમ સવારે ઊઠીને પૂજા કરવાની, ને પછી સ્વાધ્યાય સાંભળવાનો ને પછી એકાસણું કે બિયાસણું કે ઉપવાસ કરવાનો. આ રૂઢિ થઈ ગઈ છે, પણ રૂઢિથી કલ્યાણ નથી. રૂઢિનું ફળ સામાન્ય છે, વિશેષ નથી.