________________
ભક્તિના વીસ દોહરા
૮૧
ખાખરાની ખિસકોલીને સાકરનો સ્વાદ શું ખબર પડે ? એ ભાવે જ નહીં. પેલો કહે કે મને કાંઈ ચેન નથી પડતું અહીં. મને હવે ત્યાં જ જવા દો. હું મારો ખોરાક લઈને આવ્યો હતો ત્યાં સુધી તો સારું હતું. હવે તમારી વસ્તુ મેં ચાખી અને સૂંઘી તો મને ચેન પડતું નથી.
જેમ ગુલાબના બગીચામાં આવેલા ઉકરડાના જીવને ચેન પડ્યું નહીં, તેમ સંસારના સુખના ભમરાઓ જ્ઞાનીઓ પાસે જાય છે તો તેમને એમ થાય છે કે અહીં કદાચ સુખ નહીં મળે તો શું થશે ? એટલે વાસનાઓવાળું ચિત્ત લઈને જાય છે. પછી જ્ઞાની ગમે તેટલું સમજાવે પણ એને શું મજા આવે? અરે ! તું પહેલા તારી વાસનારૂપી વિષ્ટા કાઢી નાખ. તો તને ખબર પડે કે આ શું વસ્તુ છે ! એટલે ચોખ્ખા થઈને આવો એમ જ્ઞાની કહે છે. કામ-ધંધા, માન-પ્રતિષ્ઠા, ઘર-કુટુંબમાં પ્રતિબંધ થઈ ગયો છે. ચોવીસ કલાક એનો જ પરિચય અને એમાં જ જગતના જીવોનું જીવન વ્યતીત થઈ જાય છે. એટલે જ્યાં જાય ત્યાં બધાય વ્યસ્ત! તેઓ કોઈ ધર્મી જીવને નવરા જુએ એટલે એમ થાય કે આ તો નકામા છે. કાંઈ કામ ધંધો નહીં અને આત્મા આત્મા કરવાનું. આમણે તો આત્માની પત્તર ફાડી નાંખી !!
અમારા એક સંબંધી હતા. તે ઘણા વર્ષો પહેલા ઈડર આવેલા. તે વખતે તેઓ મુંબઈની બ્રીજબન બીડી પીવે. સાબરકાંઠાના જેસીંગ બાપા અને તેમના ભક્તો પણ ત્યાં આવેલ. જેસીંગ બાપાએ એમના ભક્તોને કહેલું કે ઈડરમાં આવો તો ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય સિવાય સંસારની કોઈ વાત કરવી નહીં અને કરવી હોય તો જતું રહેવાનું. એટલે બધાય આખો દિવસ આ જ વાત કરે. પેલા સંબંધીને એમની જોડે ગપ્પા મારનારું કોઈ મળે નહીં. એટલે બે દિવસમાં તો એ અકળાઈ ગયા. મને કહે, ‘ગોકુળભાઈ! એક વાત કહું ?’ મેં કહ્યું, ‘શું છે ?’ તો મને કહે, આ કોણ છે ?’ મેં કહ્યું, ‘આ સાબરકાંઠાના ભગત છે - જેસીંગ બાપા. મહાન સંત છે.’ મને કહે, ‘તમને સાચી વાત કહું ? આમણે તો આત્માની પત્તર ફાડી નાંખી છે! આખો દહાડો આત્મા. આત્માને હેઠો નથી મૂકતા. હોય ઘડીક, અડધો કલાક, પા કલાક, બે કલાક. આ તો સવારના આવ્યા ત્યારથી મંડી પડ્યા છે !’ મેં કહ્યું, ‘તમને શું વાંધો છે ?’ ‘વાંધો કાંઈ નથી પણ મારી જોડે કોઈ વાત કરવા તૈયાર નથી !' હવે એમને આ દુઃખ!
જીવને કામ-ધંધા પાછળ નવરાશ જ નથી મળતી. એટલો બધો એ સંસારમાં ગળાડૂબ છે કે એને ખરું સુખ આત્મામાં છે, હું આત્મા છું અને આ આત્માની આરાધના કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય – આ વાત એને બેસતી જ નથી. જગતમાં દરેક જીવોને માન અને પોતાની પ્રતિષ્ઠા જોઈએ છે. લોકોમાં મારું માન વધે, મને લોકો માનથી બોલાવે, હું પણ કાંઈક છું એમ માને તો