________________
૫૦૪
છ પદનો પત્ર છે તે પ્રગટ થાય. એટલે મિથ્યાત્વ ખસે અને જ્ઞાનભાવ પ્રગટે. આ પ્રમાણે તમે ભેદજ્ઞાનપૂર્વક વર્તે તો! ઉપયોગપૂર્વક વર્તો તો કેવી સારામાં સારી ભેદવિજ્ઞાનની વાત સૂક્ષ્મમાં સૂક્ષ્મ સાદી અને સરળ ભાષામાં પરમકૃપાળુદેવે આપણને બતાવી છે.
એકદમ અંધકાર હોય અને પછી સૂર્ય ઊગે અને સહેજ સહેજ આછું અજવાળું થાય, એમ બે-પાંચ વખત, પંદર વખત વાંચશું, વિચારશું, સાંભળશું, સમજશું, પ્રયત્ન કરશું ત્યારે કાંઈક વધારે સ્પષ્ટ થશે અને ધીમે ધીમે વધારે કુશળ થવાથી સ્પષ્ટ થઈ જશે કે જડની ક્રિયા અને ચેતનની ક્રિયા બે જુદી છે.
મુમુક્ષુ દ્રવ્ય, ગુણ, પર્યાય વિષે સમજવું હોય તો ક્યાંથી સમજવું?
સાહેબ યશોવિજયજીનો દ્રવ્ય-ગુણ -પર્યાયનો રાસ ગુજરાતીમાં છે. બાકી તો કર્તાકર્મ અધિકાર સોનગઢથી બહાર પડ્યો છે. “સમયસારના પ્રવચનો' જેમાં આખો કર્તા-કર્મ અધિકાર ગુજરાતીમાં આપ્યો છે.
ચોથું પદ “આત્મા ભોક્તા છે. જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ; અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ; હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભોક્તા છે.
આગળના પદમાં આત્માનું કર્તાપણું સાબિત કર્યું. જ્ઞાનભાવમાં પોતાના જ્ઞાન અને આનંદ પરિણામનો કર્તા અને ભોક્તા છે. અજ્ઞાન પરિણામમાં એટલે વ્યવહારથી જીવ ક્રોધાદિ ભાવનો કર્તા છે અને ઉપચારથી જીવ ઘર-નગર આદિનો કર્તા છે. તે જ પ્રમાણે ભોક્તાપણું છે. જેમ આત્મા પરપદાર્થનો કર્તા નથી એમ પરમાર્થથી આત્મા પરનો ભોક્તા પણ નથી. કેમ ભોક્તા નથી? કેમ કે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને ભોગવી શકતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શ કરી શકતું નથી. દરેક દ્રવ્ય, અન્ય દ્રવ્યથી તેના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ભિન્ન છે અને દરેક દ્રવ્યની ક્રિયા દરેક દ્રવ્યના પ્રદેશમાં જ થાય છે, એથી બહારમાં કંઈ થતું નથી. એટલે કોઈ દ્રવ્ય દ્વારા બીજા દ્રવ્યના દ્રવ્ય, ગુણ કે પર્યાયનો ભોગ થઈ શકતો નથી.