________________
૨૧૦
શું સાધન બાકી રહ્યું ? આજ્ઞાનું માહાત્મ છે. આવું તો ઘણું મેં એમની પાસે જોયું છે. માત્ર આપણા હિત માટે તેમણે કરેલી આજ્ઞા ખરા પ્રેમથી આરાધવાની છે, ભયથી નહીં. કેમ કે, આપણા કલ્યાણ માટે, આપણા હિત માટે આજ્ઞા આપેલી છે. એટલે પ્રેમથી આરાધવાની છે. તેમની આજ્ઞાને સર્વસ્વ માની હૃદયમાં વિચારે, હર પળે તે આરાધવાનું લક્ષ રાખે, ક્ષણે ક્ષણે, કાર્યો કાર્ય, પ્રસંગે પ્રસંગે આજ્ઞાને આરાધવાનું લક્ષ રાખે, દઢપણે અંતરમાં ધારણ કરે ત્યારે કાર્યની સફળતા થાય. કાર્યની સફળતા એટલે અહીં તો આત્મજ્ઞાન અને મોક્ષની વાત છે. તો આત્મજ્ઞાનની સફળતા આજ્ઞાનું આરાધન કરવાથી થાય છે. પુરુષ જે અમૃતરસના સાગર છે, તેમની પ્રાપ્તિ થાય અને તેમનો પ્રેમ, કૃપાદૃષ્ટિ અવશ્ય પામે. સત્પરુષ આત્માના અતીન્દ્રિય આનંદના રસમાં ઓળઘોળ છે. તો એમની પાસેથી એની પ્રાપ્તિ થાય અને તેમનો પ્રેમ-કૃપાદૃષ્ટિ અવશ્ય પામે. મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બની છે, એક જ્ઞાનીની અને એક જ્ઞાનીના સાચા આશ્રયવાનની. આજ્ઞા આરાધે ત્યારે જ્ઞાનીની કૃપા પમાય, આપવાથી કે પગ દબાવાથી નહીં.
*****