________________
૪૧૮
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.
પછી ગાથા - ૧૦, ૧૧ અને ૧૨ માં ગુરુનું સ્વરૂપ અને માહાત્મ્ય કહ્યું છે, આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી, પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર.
સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્યું જિનસ્વરૂપ. પછી પાછળથી ઉપસંહારની ગાથા - ૧૧૯ અને ૧૨૪ માં કહ્યું કે,
સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. છેલ્લીગાથામાં પણ કહ્યું;
છ પદનો પત્ર
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.
આમ, આખી આત્મસિદ્ધિમાં સદ્ગુરુનું માહાત્મ્ય પરમકૃપાળુદેવે ગાયું છે. આવું સદ્ગુરુનું માહાત્મ્ય જ્યારે આપણને આવે, ભક્તિ જાગે, એવી શરણતા આવે, એવી સમર્પણતા આવે અને આજ્ઞાના આરાધક થઈએ ત્યારે આ છ પદ સમ્યક્ પ્રકારે આપણને પરિણમે છે, એ વગર નહીં. ક્ષયોપશમના કારણે ગમે તેટલું જ્ઞાન આપણે ધારણ કરી લઈએ, પણ એને પરિણમાવવું હોય તો સદ્ગુરુની ભક્તિ જોઈશે.
હવે આગળ કહે છે,
શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાનીપુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે.