________________
૪૭૮
છ પદનો પત્ર જ્ઞાનદશામાં એકલો ચારિત્રમોહ છે. એ ચારિત્રમોહના ઉદયમાં પણ અપ્રત્યાખ્યાનાવરણીયનો ઉદય છે, પ્રત્યાખ્યાનાવરણીયનો ઉદય છે, સંજવલનનો ઉદય છે અને તેને અનુરૂપ કષાય થાય છે. સંજવલન કષાયની ઉદયની તીવ્રતા અપ્રત્યાખ્યાના-વરણીય કષાયના ઉદય જેટલી હોતી નથી. એકદમ મંદ હોય છે. માટે બંધ પણ મંદ પડે છે, પણ બંધ તો પડે છે.
જ્યારે સંપૂર્ણ વિતરાગતા થાય છે ત્યારે કષાયયુક્ત બંધ અટકે છે. પછી યોગનો જે આસ્રવ છે તે ચાલુ રહે છે. બાકી બીજો આગ્નવ-બંધ હોતો નથી. મુખ્ય બંધ કષાયના હિસાબે છે. કોઈપણ હલન-ચલનની પ્રવૃત્તિ થાય છે, તે કર્મનો ઉદય છે. કર્મ છે તો હલન-ચલન થાય છે. કર્મ નથી તો હલન-ચલન પણ નથી. “ચલે સો બંધ” સૂત્ર છે. જો આત્મા સાથે કર્મ બિલકુલ ન હોય તો કોઈપણ પ્રકારના આત્માના પ્રદેશોની કે મન-વચન-કાયાના યોગોની પણ હલન-ચલન ક્રિયા થઈ શકતી નથી. પ્રદેશોનું હલનચલન, પરિસ્પંદન થોડું પણ થાય છે તો એ અઘાતી કર્મને કારણે થાય છે. જો અઘાતી કર્મની સ્થિતિ બિલકુલ ના હોય તો તેના પરિણામસ્વરૂપ અવ્યાબાધ સ્થિરતા નામનો આત્માનો ગુણ છે તેના કારણે આત્માના પ્રદેશોમાં કંઈપણ કંપનપણું આવી શકે નહીં. તો, કર્મની જે અસર છે તે નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી છે, કર્તા-કર્મ સંબંધથી નથી કેમ કે કર્તા-કર્મ સંબંધની અપેક્ષાએ એક દ્રવ્યની બીજા દ્રવ્ય પર કોઈ અસર થતી નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. એક દ્રવ્યના કોઈપણ દ્રવ્ય-ગુણ કે પર્યાય એ બીજા દ્રવ્યમાં કાંઈ કરી શકતા નથી એટલે એની અસર પણ આવી શકતી નથી, પ્રભાવ પણ થઈ શકતો નથી. પણ એવા નિમિત્તના સાન્નિધ્યમાં ઉપાદાન પોતાની યોગ્યતાથી વિકાર કે વિભાવરૂપે પરિણમી જાય છે. કોઈ દ્રવ્ય તેને પરિણાવી શકતું નથી. દ્રવ્યની સ્વતંત્રતાનો આ સિદ્ધાંત નિમિત્ત-નૈમિત્તિક સંબંધ વખતે પણ અટલ રહે છે.
જીવદ્રવ્ય જ્યારે વિભાવરૂપે પરિણમે છે ત્યારે તેને કાંઈ કર્મનો ઉદય વિભાવરૂપે પરિણમાવી દેતો નથી અને કર્મના ઉદય વગર જીવ વિભાવરૂપ પરિણમી શકતો પણ નથી. આ કર્તા-કર્મ સંબંધ અને નિમિત્ત-નૈમિત્તિક સંબંધની ખૂબી છે. જો અભ્યાસ હશે તો મજા આવશે; નહીં તો બાઉન્સ જશે અને મગજનું દહીં લાગશે કે આ બધી શું માથાકૂટ કરે છે? પણ આ કડાકૂટ વગર ભેદવિજ્ઞાન નહીં થાય અને ભેદવિજ્ઞાન વગર આત્મજ્ઞાન નહીંથાય અને આત્મજ્ઞાન વગર સર્વ દુઃખથી છૂટકારો નથી. જે વિભાવ થાય છે તે કર્મના ઉદય વગર થતા નથી અને કર્મનો ઉદય વિભાવ કરાવી શકતા નથી. આ કર્તા-કર્મ સંબંધ અને નિમિત્ત-નૈમિત્તિક સંબંધની ચરમ-સીમા છે. કેમ કે કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યને કોઈ રૂપે પરિણાવી શકતું નથી. દરેક દ્રવ્યનું