________________
છ પદનો પત્ર
પ૬૧ હવે આ સ્વનું કેવું છે? અજ્ઞાનદશાનું. બીજા દ્રવ્યમાં સ્વપણાની માન્યતા કરી છે. જ્ઞાની પોતાની ખોટી ઓળખાણ આપતી વખતે પણ અંદરમાં જાગૃત હોય છે. બહારથી આપવી પડતી હોય તો પણ જાગૃત હોય છે કે આ મારી ઓળખાણ સાચી નથી. આ એડ્રેસ કંઈ આપણું કાયમી નથી. જે ઘર, જે દેહ, જે કુટુંબ, જે સ્થળ છે એ તો બે દિવસના મહેમાન છીએ, પણ અજ્ઞાનદશાનું સ્વપ્ન લાગ્યું છે કે આ મારો દેહ છે ને આ મારું કુટુંબ છે, આ મારું ગામ છે ને આ મારું ઘર છે, આ મારી મિલકત છે, આ મારા સગાંવહાલાં છે. આ બધુંય અજ્ઞાનદશાનું સ્વપ્ન છે. આત્મા સિવાય આ જીવનું કોઈ નથી. ત્રણ કાળમાં, ત્રણ લોકમાં અનાદિ કાળનો આ આત્મા એકાકી છે, અનંતકાળ સુધી એકાકી જ રહેવાનો છે. કોઈ સાથે એના સંયોગ-વિયોગ થવાના, પણ કોઈનો એ માલિક થઈ શકવાનો નથી અને એનો માલિક કોઈ થઈ શકવાનું નથી. એમ દરેકદ્રવ્યની સ્વતંત્રતા જ્યારે ઉપયોગની અંદરમાં પકડાશે, ત્યારે તેનું પરાધીનપણું છૂટશે. ત્યારે જીવ સ્વાવલંબી બનશે. સાચો સ્વાવલંબી બનશે ત્યારે જ જીવ સ્વરૂપસ્થ થશે.
જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુખ, મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે; એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૦૨ - “જડ-ચેતન વિવેક' મને તાવ આવ્યો છે એ ખોટું છે. શરીરમાં તાવ જણાય છે, મને તાવ આવ્યો નથી. તાવ આવે તો એમ કહેવું કે શરીરની પ્રકૃતિ ગરમ થઈ છે. તો એ વખતે પણ ભેદજ્ઞાનનો ઉપયોગ છે એમ કહેવાય. પડોશીને તાવ આવે છે અને ખતવણી તારામાં તે ખોટી કરી છે અને એ જ ખતવણી તને નુક્સાનનું કારણ છે. એવી રીતે મન-વચન-કાયાની ક્રિયાનું અહંપણું કરવું એ મિથ્યાત્વ છે. જે કંઈ મન-વચન-કાયાની ક્રિયા થાય છે એ આત્માની ક્રિયા નથી. આત્માની ક્રિયા માત્ર જાણવા-જોવાની ક્રિયા છે. પરપદાર્થની ક્રિયાનો, પરદ્રવ્યની ક્રિયાનો આત્મામાં આરોપ કરવો એનું નામ જ મિથ્યાત્વ. એનું નામ જ અહંપણું છે. આ છૂટવું જોઈએ. દેહમાં હું' પણાની માન્યતા તે અહંપણું અને કુટુંબમાં, ઘરમાં, બીજા પરપદાર્થોમાં મારાપણાની માન્યતા તે મમત્વપણું.