________________
૧૩૦
શું સાધન બાકી રહ્યું? હે જીવ ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા! જાગૃત થા !! નહીં તો રત્ન ચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે સત્પરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે.
- શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૧૦૫ તો, આ પદ સાંભળીને પરિવર્તન લાવવાનું છે. બોલીએ છીએ ઘણી વખત, વાંચીએ છીએ ઘણી વખત, એના અર્થ પણ વિચારીએ છીએ ઘણી વખત; પણ પરિવર્તન નથી આવ્યું. તમે ઈડર આવવાનો નિર્ણય કર્યો, ટિકિટો લીધી, રજાઓ મૂકી, બધાને કહી દીધું કે હું આટલા દિવસ અહીં નથી, ઈડર જવાનો છું; છતાં ગાડીમાં ના બેસો તો? આ બધું કરેલું પાણીમાં એમ બધું કર્યું, પણ જો આત્મામાં ન આવો તો તમે ઘર ભેગા ના થાવ, મોક્ષે ન પહોંચાય, એટલે પરમકૃપાળુદેવે આ પદમાં બહુ સરસ રહસ્ય જણાવી આત્માને રૂઢિ પ્રમાણેની સાધનામાંથી બહાર કાઢ્યો છે અને વાસ્તવિક સાધનાની દૃષ્ટિ કરાવી છે. તેનો અત્યારે અહીં વિચાર કરીએ છીએ. આ તેની ભૂમિકા બાંધી. હવે, આપણે પદ ઉપર વિચાર કરીએ છીએ.