________________
૪૫૫
છ પદનો પત્ર
વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૯૦ એ બંને ભાવોને કેમ છેદવા? તેનો પુરુષાર્થ કરો. હું આત્મા નિત્ય છું. ઘટ-પટ આદિ પદાર્થો અમુક કાળવર્તી છે. જે બહારમાં વસ્તુઓ દેખાય છે. એ બધી સંયોગથી બનેલી છે. એટલે તેમનું અસ્તિત્વ થોડા કાળ માટે જ છે. ઘડો છે, વસ્ત્ર છે, ટેબલ છે, પુસ્તક છે, ઘડિયાળ છે, મકાન છે, મનુષ્યના દેહ છે. જે કાંઈ બધું દેખાય છે તે બધું સંયોગથી બનતું દેખાય છે. અનંત પરમાણુઓના જથ્થા ભેગા થાય છે ત્યારે તે પદાર્થો દષ્ટિગોચર થાય છે. એક પરમાણુ તો આપણી દૃષ્ટિનો વિષય પણ નથી. ઘટ-પટ આદિ પદાર્થો છે તે અમુક કાળવાર્તા છે. ક્ષણિક છે, નાશવંત છે. સંયોગથી મળ્યા છે. એનો વિયોગ થઈ વિખરાઈ જાય છે. માટે જ્ઞાનીઓ કહે છે કે ક્ષણિક વસ્તુઓનો મોહ ત્યાગો. તમે ત્રિકાળવર્તી છો અને ઘટપટ આદિ અમુક કાળવર્તી છે. તો ત્રિકાળવર્તી થઈને અમુક કાળવર્તીક્ષણિક પદાર્થો ઉપર મોહકરશો, અહંપણું - મમત્વપણું કરશો તો એ કંઈ ટકવાના નથી અને કાયમ રહેવાના નથી. જેનો સંયોગ છે એનો વિયોગ થયા વિના રહેતો નથી, પણ આત્મા ત્રિકાળવર્તી છે. આત્મા ત્રણે કાળ રહે તેવો પદાર્થ છે. આત્મા એટલે કોણ? આપણે. હું પોતે. પાછી આ કંઈ બીજાની ભાગવત કથા નથી થતી. આપણી ભાગવત્ કથા ચાલે છે કે હું ત્રિકાળવર્તી છું. ત્રણે કાળમાં રહેવાવાળો પદાર્થ છું. એનું કારણ શું? તો કે આત્મા અનુત્પન્ન છે, કોઈ સંયોગ દ્વારા બન્યો નથી. માટે જે અનુત્પન્ન હોય તે હંમેશાં અવિનાશી હોય અને જે અવિનાશી છે તે ત્રિકાળવર્તી હોય.
ગાંધીજીએ તે વિષે પ્રશ્ન કરેલો, જેનો પરમકૃપાળુદેવે જવાબ આપેલો કે તમે માનો છો તેવો આત્મા નથી. અભ્યાસીઓએ શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક પ૩૦ માંથી વિશેષ જોવું. અન્ય દર્શનોમાં એમ કહેવું છે કે આત્મા પાંચ ભૂતોથી બન્યો છે અને મૃત્યુ વખતે પાછા પાંચ ભૂતો વિખરાઈ જાય છે. એટલે પછી આત્માનું અસ્તિત્વ મટી જાય છે. અથવા અમુક દર્શન એમ માને છે કે આત્મા એક ક્ષણવર્તી પદાર્થ છે. એક ક્ષણ પછી બીજી ક્ષણે તેનું અસ્તિત્વ રહેતું નથી. પછી બીજી ક્ષણે નવો આત્મા આવે છે. તો કોઈ આત્માને એકાંતે નિત્ય માને છે. જ્યારે જૈનદર્શન માને છે કે આત્મા નિત્યાનિત્ય છે. નિત્ય અને અનિત્ય એક સાથે છે. એકાંતે એકલો નિત્ય પણ નથી, એકાંતે એકલો અનિત્ય પણ નથી. પણ, અનેકાંત દૃષ્ટિથી નિત્ય અને અનિત્ય છે. ગાંધીજીના પ્રશ્નના જવાબમાં પરમકૃપાળુદેવે કહ્યું છે કે જેમ ઘટ-પટ આદિ જડ વસ્તુઓ છે