________________
ક્ષમાપના
૩૬૩
કરવાથી આપણે એ દશાને પ્રગટ કરી શકીએ. જે જીવ જે દશાને પ્રાપ્ત હોય છે એમનો આશ્રય કરનારા પણ એ દશાને પ્રાપ્ત થાય છે. ભગવાનને એક રાગનો અંશ પણ હવે રહ્યો નથી. જો, રાગનો અંશ હોય તો નીરાગી ના કહેવાય; એટલે મુનિ પણ પૂર્ણ નીરાગી નહીં. આત્મજ્ઞાની હોય તો પણ પૂર્ણ નીરાગી નહીં. અવિરત સમ્યફદૃષ્ટિ પણ આંશિક અને શ્રાવક પણ આંશિક નીરાગી. તમને કોઈ પૂછે કે તમારે સંસારથી છૂટવું છે? તો, ‘હા’ તો બધા પાડશો, પંચ કહે એ માથા ઉપર, પણ મારી ખૂંટી ખસે નહીં. અરે ! પણ ખૂટી ખસેડવા તો પંચ રાખ્યું છે, એમ તારી માન્યતાને આઘી-પાછી કરવા તો જ્ઞાનીઓનો બોધ અને વચનો છે. એ બોધવચનો વાંચીને પણ તું તારી ખૂટી છોડે નહીં અને આઘો-પાછો થાય નહીં તો તું કલ્યાણનો અધિકારી બની શકે નહીં.
જેને સંસારમાંથી છૂટવું હોય તેણે વીતરાગી દેવ, નિગ્રંથ ગુરુ અને એમના પ્રરૂપેલા ધર્મના શરણે જવું. છૂટવું હોય તો આ શરૂઆત છે. જ્યાં સુધી એમના શરણે નહીં જાવ ત્યાં સુધી છૂટવાની સાચી શરૂઆત થશે નહીં. આમાં ત્રણમાંથી બે ને માને ને એકને ના માને તો પણ નહીં, ત્રણને બરાબર માનવું પડે. સંપૂર્ણ વીતરાગદશા, સર્વજ્ઞતા જેને પ્રગટ થઈ છે, જેના ઘાતકર્મો નાશ થઈ ગયા છે અને અનંતજ્ઞાન-દર્શન-આનંદ-વીર્યપ્રગટ થયા છે એ બધા પરમાત્મા કહેવાય. તેમણે ઉપદેશેલો ધર્મ માનવો, બીજાનો નહીં.
વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મપૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પરુષના યોગ વિના સમજાતું નથી; તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું.
આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !!
હે જીવ! આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા!! નહીં તો રત્ન ચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે સત્પરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે.
- શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૫૦૫ બોલી તો ગયા છીએ ઘણી વખત, પણ કોઈ દિવસ આનું ચિંતન કર્યું છે?
અત્યાર સુધી આજ્ઞા ઉપાસી નથી અને હજુ પણ ઉપાસતો નથી. અહીં સાંભળવાની કે વાંચવાની વાત નથી. આજ્ઞા ઉપાસવી.