________________
દુર્લભ એવો મનુષ્યદેહ
૬૭૩
હું નોકર્મ, દ્રવ્યકર્મ કે ભાવકર્મરૂપ નથી. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી આત્મા છું. એ સિવાય હું કશું નથી, એ સિવાય કશું મારું નથી. આટલી દેઢતા હશે કે મારું કશું નથી તો તમારો મોહ ક્યાંય નહીં થાય. મારાપણાની બુદ્ધિ છૂટી જાય તો તમને જે મોહ થાય છે એ નહીં થાય. તમારી ફરજ બજાવશો. જેમ નર્સ હોસ્પિટલમાં સેવા કરે છે પણ આ મારા નથી એમ માને છે. સેવા કરે છે તે ફક્ત પૈસાના કારણે. દર્દી મરી જાય તો પણ એને દુઃખ ન થાય કેમ કે મારાપણું નથી. કોઈપણ પદાર્થનો વિયોગ થાય અને દુઃખ થાય તો સમજવું કે આપણું એની સાથેનું મારાપણું અંદરમાંથી છૂટેલું નહોતું. આટલા બધા મરી જાય છે, કોઈના માટે દુઃખ નથી થતું ને આના માટે કેમ ? એકના માટે જ થયું ? વૈરાગ્ય થવો જોઈએ એને બદલે દુ:ખ કેમ થયું ? એ બતાવે છે કે તે ‘મારાપણું’ કરેલું છે. ઈષ્ટના વિયોગમાં કે અનિષ્ટના સંયોગમાં જે અનેક પ્રકારના વિચિત્ર વિકલ્પો થાય છે એ બતાવે છે કે જીવે એમાં મારાપણું કરેલું છે. ત્રણે કાળ હું માત્ર આત્મા જ છું, ને આત્મા જ રહેવાનો છું. અનાદિકાળથી હું જેવો હતો એવો જ હતો, અત્યારે પણ એ જ પ્રકારે છું અને ભાવિ અનંતકાળ જશે ને સિગ્નલોકમાં જઈશ તો પણ હું જેવા સ્વરૂપે છું એવા સ્વરૂપે જ રહેવાનો છું. સિદ્ધલોકમાં જવાથી કંઈ મારું સ્વરૂપ બદલાઈ નથી જવાનું કે ચાર ગતિમાં રખડીશ તો પણ મારું સ્વરૂપ બદલાઈ જવાનું નથી. ત્રણે કાળમાં હું એક સ્વરૂપ છું. માટે ત્રણે કાળમાં મોક્ષનો માર્ગ પણ એક સ્વરૂપ છે.
એક હોય ત્રણ કાળમાં, પરમાથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૩૬
—
ત્રણે કાળમાં એક જ માર્ગ - સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ: । ત્રણે કાળમાં, ત્રણે લોકમાં તમામ જીવો માટે આ એક જ પ્રકારનો મોક્ષમાર્ગ છે. કોઈ શોર્ટકટ નથી, કોઈ લોંગ કટ નથી કે કોઈ બીજા કટ નથી. માત્ર સ્વરૂપના આશ્રયે જ એ ત્રણેની અભેદતા પ્રગટ થાય, પરના આશ્રયે નહીં. એ નિમિત્ત છે અને તે આ સત્ય સમજવા માટે છે. એના બદલે જીવે નિમિત્તને જ પોતાનું માન્યું ને પોતે પોતાને ભૂલી ગયો. આ મોટું નુક્સાન છે. દેહ રૂપે પોતાને માન્યો તો દેહાત્મબુદ્ધિ રહેવાની, દેહાધ્યાસ રહેવાનો. એટલે તમે દેહને સાચવવાના, દેહને દુઃખ ન પડે એવો પ્રયત્ન કરવાના, એના નિમિત્તે રાગ-દ્વેષ કરવાના અને બંધાવાના. આ સીધી વાત છે, સાદી વાત છે. પહેલાં દેહમાંથી ‘હું’ પણાનો ત્યાગ કરો કે આ દેહ તે હું નથી. ઘરમાં દાખલ થયા પહેલા નક્કી કરો કે આ ઘર મારું નથી, પછી ભલે રહો