________________
ક્ષમાપના
393
નીકળીને તીર્થંકર થઈને મોક્ષે જશે, પણ અત્યારે તો બાંધેલું ફળ ભોગવે છે. પશ્ચાત્તાપ કરવાથી પાપથી મુક્ત થવાય. માટે સાચા હૃદયથી પશ્ચાત્તાપ કરો, તો જે પાપના દળિયા બાંધ્યા હોય તેનું સંક્રમણ થઈને પુણ્ય રૂપે થઈ જાય. અપકર્ષણ, ઉત્કર્ષણ અને સંક્રમણ આ ત્રણ કાર્યો બને છે. અપકર્ષણ એટલે સ્થિતિ ઘટી જવી. ઉત્કર્ષણ એટલે સ્થિતિ વધી જવી. સંક્રમણ એટલે પાપનું પુણ્ય રૂપે કે પુણ્યનું પાપ રૂપે થઈ જવું. એટલે પાપ કરીને ડંફાસ નહીં મારવી, પાપ થઈ ગયું હોય તો પશ્ચાત્તાપ કરવો.
વીસ દોહરા, ક્ષમાપના વગેરે બોલવાનો હેતુ એવો પશ્ચાત્તાપ જગાડવાનો છે. વીસ દોહરા શેના માટે બોલવાના છે ? તો કે આ બધા દોષો કર્યા છે એનો આપણને પશ્ચાત્તાપ થાય. વીસ દોહરામાં કેટલાય દોષોનું વર્ણન છે. મુખ્યપણે ૩૬ દોષો છે, પણ આમ તો ઘણાંય છે. ઘણા ભવ નિષ્ફળ ગયા, પણ હવે આ ભવમાં આત્માર્થ કરી લઉં. ખરો પશ્ચાત્તાપ જાગે તો પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચી જાય. એમને કેવો પશ્ચાત્તાપ થયો કે હું મુનિ અને મેં યુદ્ધના પરિણામ કર્યા ? હું તો મુનિ છું. મેં તો પાંચેય મહાપાપનો સંપૂર્ણ ત્યાગ કર્યો છે એટલે હિંસાનો તો પહેલા ત્યાગ. બાકીના ચાર વ્રતો અહિંસા મહાવ્રતમાં સમાઈ જાય છે. અસત્ય બોલવું તે પણ હિંસા છે, જૂઠું બોલવું એ પણ હિંસા છે, ચોરી કરવી એ પણ હિંસા છે, પરિગ્રહ રાખવાથી પણ હિંસા છે. મેં અહિંસા મહાવ્રત અંગીકાર કર્યું છે અને મારવાના ભાવ કરીને મેં આ મહાવ્રતનો ભંગ કર્યો છે. ખરેખર માર્યા નથી, પણ મારવાના ભાવ કર્યા, નરકમાં જવાય એવા પરિણામ થઈ ગયા હતા, પણ તરત જ જાગૃત થઈ ગયા કે હું તો મુનિ છું. મારે તો દેહ સાથે પણ લાગતું વળગતું નથી, તો આ દુનિયાના પદાર્થોના સંયોગ-વિયોગ સાથે મારે શું નિસ્બત છે ? એમ વિચારીને એ પાછા ફરી ગયા અને પોતાના આત્માના સ્વરૂપમાં ઉપયોગને કેન્દ્રિત કર્યો. તો, અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટ્યું.
નિશ્ચયથી પશ્ચાત્તાપ થાય તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લે. આત્માની શુદ્ધ અવસ્થાઓ ગુણસ્થાનક અનુસાર પ્રગટ કરી લે છે. ઘણા ભવ નિષ્ફળ ગયા અને આ ભવ પણ હજુ સુધી તો નિષ્ફળ જ ગયો છે. કેમ કે, સમ્યગ્દર્શન નથી થયું. ઠીક છે, થોડો ધર્મ કર્યો છે અને સામાન્ય પુણ્ય બાંધ્યું છે તો એકાદ ભવમાં બધી અનુકૂળ સામગ્રીઓ મળશે પણ ચોર્યાશીનું પરિભ્રમણ છૂટવાનું નહીં.
અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન.