________________
૫૪૭
છ પદનો પત્ર એમ ને એમ સમય ખલાસ થઈ જશે. માટે જ્ઞાનીઓ કહે છે કે ક્રમથી આવો. પહેલા ગુણો પ્રગટાવો. ધ્યાન તો પછીની ભૂમિકા છે. ધ્યાન એ કાંઈ સામાન્ય વાત નથી. પત્રાંક – ૪૧૬ વાંચી લેવો કે આત્મજ્ઞાન વગર ઘણું કરીને ધ્યાન સાચું થતું નથી. મોક્ષપ્રાપ્તિના જે સાધનો છે એ સાધનોનો સમ્યફ પ્રકારે ઉપયોગ કેમ કરવો, એ આપણને સત્સંગમાં, જ્ઞાનીપુરુષોના બોધવચનો દ્વારા ખ્યાલ આવે છે. આવા સાધન પ્રત્યક્ષ છે કે જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, મોળા પડી જાય છે, ઉપશમ પામે છે, મંદ પડી જાય છે અને ક્ષીણ થાય છે. આ સાધનો નથી હોતા તો કર્મબંધ બળવાન થાય છે. માટે આ સાધનોનું નિરંતર દીર્ઘકાળ સુધી સેવન થાય ત્યારે આ કર્મો ધીમે ધીમે મંદ પડી, શિથિલ પડી અને ખરી જાય છે. એમ ને એમ ખરતા નથી. આ ખેરવવાનો ઉપાય છે. આવા ભાવમાં જીવ આવે, આવા ભાવોનું પોષણ થાય, વારંવાર એવા ભાવોની પ્રવૃત્તિ થાય અને એને અનુરૂપ મન-વચન-કાયાના યોગોની પ્રવૃત્તિ થાય ત્યારે જે વિપરીતભાવથી આસ્રવ થતો હતો તે સવળા ભાવથી સંવર થવા લાગ્યો અને જીવ સમાધિની અંદરમાં આવે તો અંદરમાં લાગેલા કર્મો છે એય ખરવા લાગે. નવા આવતા રોકાવા માંડે. સંપૂર્ણ ક્ષીણ થાય એનું નામ મોક્ષ. કર્મોનું સંપૂર્ણ ટળી જવું એનું નામ મોક્ષ.
તો, કર્મો ક્ષીણ થાય છે. કેમ કે, જો એનું ટળવાપણું ના હોય તો તો જ્ઞાનીપુરુષ આ સાધનો આપણને બતાવે નહીં. કર્મ ટાળવાનો ઉપાય આપણને આ બતાવ્યો કે સમ્યગુદર્શન, સમ્યકજ્ઞાન, સમ્યફચારિત્ર, વૈરાગ્ય, ભક્તિ, દાન, તપ, વિનય વગેરે અનેક ગુણો છે. ભક્તિ આદિમાં બધાય સાધન આવી જાય. સમકિતનું મૂળ તો વિનય છે. દેવ, ગુરુ, ધર્મ પ્રત્યેનો વિનય. ખરેખરો સાચા ભાવપૂર્વકનો વિનય પ્રગટે તો તે બધા ગુણોને લાવશે. એવી રીતે દાન કરવાથી આપણા કષાયોમાં મંદતા થાય છે. જે લોભ કષાયની તીવ્રતા છે. એ લોભ કષાયને કારણે બીજા કષાયો પણ ચાલે છે. ક્રોધ થવાનું કારણ પણ લોભ હોય છે. આ બધી તકરારો શેના માટે થાય છે? પૈસા માટે તો થાય છે. તો એ લોભ આપણને બીજા કષાયોમાં પણ ખેંચી જાય છે. માટે દાન દ્વારા લોભ કષાય મંદ પડે છે. પણ સાચું દાન ક્યારે? આપીને ડબલ લેવાનો પાછો જો ભાવ કરતા હોય તો એ દાન નથી. પુણ્યના ઉદયના કારણે ધન આપણા સંયોગમાં આવ્યું છે. તે સારા કાર્યોમાં વપરાય તો સારું. કેમ કે, આમેય જવાનું તો છે જ. એ નહીં જાય તો આપણે જવાનું છે. સંયોગનો વિયોગ થયા વગર રહેવાનો નથી. તો પછી એમ ને એમ અકબંધ મૂકીને જશો એના કરતાં કંઈક કમાણી કરીને જાઓ ! ભજનમાં આવે છે, “આ તમારી સંભાળી લ્યોને ચાવી, મારે ઘર ખાલી કરવાની વેળા આવી.” રાચ-રચીલાથી સામાન