________________
૪૯૯
છ પદનો પત્ર
ક્રોધ પણ કરી શકે અને જ્ઞાન પણ કરી શકે, એ બે એનો સ્વભાવ છે એમ બની શકતું નથી અને છતાંય આત્મામાં ક્રોધ થાય છે, પણ એનો કર્તા આત્મા નથી. જેમ ઘડો થાય છે પણ એનો કર્તા કુંભાર નથી, એનો કર્તા માટી છે.
મુમુક્ષુ ઃ ઉપયોગમાં થાય છે ?
સાહેબ ઃ ઉપયોગમાં ઝળકે છે. ઉપયોગમાં થતો નથી. ઉપયોગ તો ચેતન છે. ચેતનમાં અચેતનની ક્રિયા થાય ?
સ્ફટિકની નીચે લાલ કપડું મૂક્યું છે તો સ્ફટિક લાલ દેખાય છે. હવે સ્ફટિક લાલ થઈ ગયો છે ? નથી થયો, પણ કપડાને હિસાબે લાલ દેખાય છે. એમ ઉપયોગની સાથે ક્રોધ ભળ્યો છે એટલે ઉપયોગ ક્રોધવાળો દેખાય છે, પણ ઉપયોગ ક્રોધરૂપે થઈ ગયો નથી. લાલાશ સ્ફટિકની છે કે કપડાની છે ? કપડાની છે. સ્ફટિક લાલ થયું છે કે કપડું ? સ્ફટિક કેવો છે ? એ વખતે પણ સ્વચ્છ જ છે.
ક્રોધરૂપે ઉપયોગ પરિણમ્યો છે, તો ઉપયોગ એ વખતે જ્ઞાનસ્વરૂપે છે કે અચેતન સ્વરૂપે? એ વખતે સ્વચ્છ છે કે અસ્વચ્છ છે ? એ અસ્વચ્છ થયો એની ના નથી, પણ ઉપયોગનું જે સ્વચ્છત્વ છે એ વખતે પણ મોજૂદ રહ્યું છે. ઉપયોગની જે ચેતનતા છે એ અચેતનરૂપે પરિણમી નથી. ઉપયોગ ક્રોધની સાથે એકમેક જેવો થઈ ગયો છે, પણ એકમેક થઈ ગયો નથી.
મુમુક્ષુ : ક્રોધ અને ઉપયોગ વચ્ચે સમયભેદ નથી એટલે ખ્યાલમાં નથી આવતો.
સાહેબ : હા, સમયભેદ નથી છતાંય બે જુદા છે. હંમેશાં બે જુદા હોય તો એના લક્ષણ હોય કે ના હોય ? ક્રોધનું લક્ષણ આખું જુદું છે અને જ્ઞાનનું લક્ષણ આખું જુદું છે. પેલાનું લક્ષણ અચેતન છે અને આનું લક્ષણ ચેતન છે. એનો આધાર - આધેય સંબંધ જ જુદો છે. બધુંય જુદું છે. આ તો સૂક્ષ્મ છે, સ્થૂળ ઉપયોગથી ના પકડાય.
ક્રોધનો આધાર - આધેય સંબંધ કર્મ સાથે છે અને ઉપયોગનો આધાર - આધેય સંબંધ આત્મા સાથે છે. માટે આધાર - આધેય સંબંધ પણ જુદા છે. એવી રીતે વ્યાપ્ય અને વ્યાપકતાની અપેક્ષાએ પણ ફેર છે. ક્રોધના પરમાણુનો વિસ્ફોટ થયો છે, તો ક્રોધ ક્રોધના પરમાણુમાં વ્યાપ્ત થયેલો છે. એ આત્માના પ્રદેશોમાં વ્યાપી ગયો નથી. આત્માના પ્રદેશમાં તો જ્ઞાન વ્યાપેલું છે, ક્રોધ વ્યાપેલો નથી. આ તો બધી સૂક્ષ્મ વાતો છે. કર્તા-કર્મ અધિકાર એ કોઈ સામાન્ય બાબત નથી.