________________
૧૮૦
શું સાધન બાકી રહ્યું ? જ્ઞાની પણ ભગવાનના દર્શન, ભક્તિ વગેરે કરે છે, પુણ્ય બાંધે છે; પણ તેને મોક્ષમાર્ગ માનતા નથી, પણ પોતે શુદ્ધ ઉપયોગમાં ટકી શકતા નથી એટલે અશુભથી બચવા માટે ભક્તિ કરે છે. જ્ઞાની કહે છે કે જો અમે અમારા સ્વરૂપમાં રહી શકીએ તો હે ભગવાન! મારે તમારી ભક્તિ પણ નથી કરવી. જુઓ ! આ તેમનો વિવેક છે અને વિવેક એ જ ધર્મનું મૂળ છે.
વિવેક એ ધર્મનું મૂળ તત્ત્વ છે. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં.
– શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭ - ગાથા -૪ અજ્ઞાનથી સવિવેક પામવો દુર્લભ છે. એટલે અજ્ઞાનીને સાચો વિવેક આવતો નથી કે હોતો નથી. અજ્ઞાનીનો વિવેક પરમાર્થ દૃષ્ટિથી સાચો વિવેક હોતો નથી.
મુમુક્ષુ: વિવેક આવે તો અજ્ઞાન જાય?
સાહેબ : હા, પણ અજ્ઞાન જાય પછી સાચો વિવેક થાય. પહેલા યોગ્ય વિવેક, વિનય આવે પછી આત્મજ્ઞાન થાય અને આત્મજ્ઞાન થયા પછી સાચો વિનય અને વિવેક આવે. એકબીજા સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જોડાયેલો છે.
તું છો મોક્ષસ્વરૂપ. તારું સ્વરૂપ તારી પાસે જ છે. તમારો ધર્મ કોઈ બીજાની પાસે નથી. જેમ મગર અને વાંદરાની વાર્તામાં વાંદરો મગરને કહે છે કે મારું કાળજું તો હું ઝાડ પર ભૂલી ગયો છું. પણ કાળજું બહાર હોય કે પોતામાં જ હોય? તેમ આત્માને આપણે શાસ્ત્રોમાં, મંદિરોમાં પર્વતોમાં, ગુફાઓમાં શોધીએ છીએ. જ્યાં નથી ત્યાં શોધીએ છીએ ને જ્યાં છે ત્યાં શોધતા નથી, ત્યાં આપણો ઉપયોગ જતો નથી! જેમણે પોતે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે સદ્ગુરુ કોઈ પાત્ર જીવને એ સમજણ આપે છે તો,
તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુબોધ; તો પામે સમકિતને, વર્તે અંતરશો.
સિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૦૯