________________
૨૦૪
શું સાધન બાકી રહ્યું ?. જુગાર, માંસ, દારૂ, વ્યભિચાર, શિકાર, ચોરી, પરસ્ત્રીગમન - આ સાત વ્યસન છે. આ સાત વ્યસન સેવનારો જીવ નિયમથી અધોગતિમાં જાય છે. મેં કહ્યું કે જેમણે આ સેવન ન કરવું હોય તે ઊભા થઈને પ્રતિજ્ઞા લો. મેં તો ત્યાં સુધી કીધું હતું કે, જે સાધક હોય, મુમુક્ષુ હોય, ગુરુની આજ્ઞાંકિત હોય તેણે તો હોટલની આ પણ પીવી નહીં અને હોટલનું પાણી પણ ના પીવું. તો ૫૦૦ મુમુક્ષુઓ ઊભા થઈ ગયા, હાથમાં પાણી લીધું કે અમે આજથી કોઈપણ વ્યસન નહીં સેવીએ અને હોટલની આ તો શું, પાણી પણ નહીં પીએ. એ આ નિયમોને હજુ પાળે છે ! અને આપણે વાણિયા ફાઈવ સ્ટાર હોટલમાં ખાઈએ ! જુઓ! આ તો હોટલોમાં સત્સંગ પણ રાખે. કેટલું વિપરીત ચાલે છે! જો કે, એ બોધ લાગે નહીં. ભલે આપે, બોલે એ ઠીક છે. એ ક્ષયોપશમ છે. પણ, એનાથી કોઈ લાભ થાય નહીં. આચરણ તો આપણું ઉત્તમ પ્રકારનું હોવું જ જોઈએ.
એક વખત લક્ષ્મીપુરા ગામમાં અમારો સત્સંગ હતો. તે વખતે જીતા બાપજી હતા. એમના ઘેર મારો ઉતારો રાખેલો. જમવાનો સમય થયો એટલે મને જમવા માટે બોલાવવા આવ્યા. પછી જમવા ઉઠ્યો. ત્યાં વચમાં મોટી પરસાળ હતી, એને પસાર કરી એમના રસોડાની આગળના ભાગમાં જવાતું હતું. ત્યાં દવા છાંટવાના ઘણા પીપ હતા. એટલે મેં પૂછ્યું કે આ શું છે? તો તેમણે કહ્યું કે જંતુનાશક દવાઓ છે. ખેતરોમાં જીવાત બહુ થાય છે એટલે આ છાંટીએ છીએ, જેથી અમારી ખેતીનું રક્ષણ થાય. મેં કીધું કે આમાં તો લાખોની સંખ્યામાં જીવો મરે. મેં કીધું કે હવે હું તમારે ત્યાં જમીશ નહીં. તો કહે, કેમ? હું છક થઈ ગયો. મેં કીધું કે તમે આટલી બધી હિંસા કરીને કમાણી કરી ને એમાંથી મારે ખાવાનું, તો હિંસાનો હું પણ ભાગીદાર થાઉં. એટલે હવે હું જમીશ નહીં. એ લોકોએ બહુ પ્રયત્ન કર્યો, પણ હું માન્યો નહીં. એટલે જીતા બાપજી બોલ્યા કે બાપજી ! તમે કહો એમ કરવા તૈયાર છીએ, પણ તમારે જમવું તો પડશે. અમારા ઘરે તમે આવ્યા ને તમે ભૂખ્યા રહો, આનું મોટું પાપ અમને લાગે. લાલજીબાપા, કસ્તુરભાઈવગેરે ઘણા ભક્તો હતા. કસ્તુરભાઈ સાત્ત્વિક માણસ, ખૂબ ભોળા, ભદ્રસ્વભાવના ને ભગવાનના માણસ હતા. મેં કીધું કે બધા આ પાણી હાથમાં લો કે અમે દવા છાંટવાનું બંધ કરીએ છીએ અને આ દવાઓ બધી ઢોળી નાંખો. એટલે તેમણે દવા ઢોળી નાંખી અને બધાએ તે વખતે પ્રતિજ્ઞા કરી કે હવે આ દવા ક્યારેય વાપરીશું નહીં. આજુબાજુના ગામડાઓમાં પણ આ વાત ફેલાઈ. હજારો ખેડૂતોએ તેનો ત્યાગ કરી નાંખ્યો. જુઓ ! આ આજ્ઞાંકિત કહેવાય. આપણે હોઈએ તો એવું કહીએ કે હવે નવી નહીં લાવું, પણ આટલી છાંટી લઉં.