________________
૨૪૨
શું સાધન બાકી રહ્યું ? ગુરુ આ દૃષ્ટિ કરાવે છે, તમારી પરમાત્મશક્તિની ઓળખાણ કરાવે છે, શ્રદ્ધા કરાવે છે, ઉત્સાહ લાવે છે અને સ્વરૂપ અનુસંધાનનો ઉગ્ર પુરુષાર્થ થાય એ પ્રકારનો બોધ આપે છે. કેટલું વાંચશો? કેટલા શાસ્ત્રો વાંચશો? અને હજારો શાસ્ત્રો વાંચશો તો એટલા માત્રથી કાર્ય થવાનું નથી. શાસ્ત્ર મૂકીને આત્માને પકડશો તો કામ થશે. આમ, સર્વ પ્રકારની બાહ્ય સાધના અભ્યતર સાધનાને પ્રગટ કરવા માટે છે.
ગાડીના ટાયરમાં પંક્યર પડ્યું છે, અને તે બદલવું છે તો બોલ્ટ ખોલીને ટાયરને કાઢી નાખ્યું. હવે નવા ટાયરને ફીટ કરવા માટે બેરિંગમાં તેની એક્સલ ફસાય એ માટે લાગ રાખવો પડે છે. પછી અંદર જોરથી બેરિંગને ફટકો મારે છે અને એ બેરિંગ એક્સલમાં ઘુસી જાય છે અને પેલો લાગ નીકળી જાય છે. બસ, આ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની વિધિ છે. આ બધાય સાધનો લાગ જેવા છે અને ઉપયોગરૂપી બેરિંગ સ્વરૂપના ટાયરમાં ફીટ કરવાની છે. તો, આ નિમિત્ત લઈ, એવો ફટકો મારો કે નિમિત્ત બાજુમાં નીકળી જાય અને ઉપાદાનમાં ઉપયોગ સ્થિર થઈ જાય. બસ આ કળા શિખવાની છે. પરાશ્રયતામાં માર્ગ નથી, સ્વાશ્રયતામાં માર્ગ છે. પરાધીનપણામાં માર્ગ નથી, સ્વાધીનતામાં માર્ગ છે પણ એ સ્વાધીનતા પાત્ર જીવને આવે છે. બધાને નથી આવતી. જેના કષાય મંદ થઈ જાય, જેની વિષયની વાસના મોળી પડી જાય, જેને તત્ત્વના યથાર્થ બોધની શ્રદ્ધા, પ્રતીતિ ને પકડ આવે અને જે વારંવાર ગુરુની આજ્ઞા પ્રમાણે ભેદજ્ઞાનની સાધના કરે છે તે જીવ અવશ્ય એક દિવસ કાર્યની સિદ્ધિ કરી લે છે. દેવ-ગુરુ-ધર્મનું પરાવલંબનપણું પણ સ્વાવલંબન થવા માટે છે. ભક્તિ પણ એના માટે છે, સત્સંગ પણ એના માટે છે, સ્વાધ્યાય પણ એના માટે છે, જે કંઈ સત્સાધન કરો એ બધું એના માટે છે. સાધન અલગ વસ્તુ છે અને સાધ્ય અલગ વસ્તુ છે. ઉપયોગ તે સાધના છે. સાધના ઉપયોગની છે. ઉપયોગ બધાયની પાસે છે પણ ક્યાં લગાવવો એ કળા નહીં જાણતા હોવાના કારણે આપણો ઉપયોગ જુદા જુદા વિકલ્પોમાં ભટકે છે. તેને જ્ઞાનીઓના બોધમાં લગાડવાનો છે અને પછી આત્મામાં લગાડવાનો છે. ઉપયોગ નિર્મળ થશે તો ઘરમાં ઘૂસી શકશે અને ઉપયોગની અશુદ્ધિ વધારે હશે તો એ ઘરમાં ઘૂસી નહીં શકે, ગમે તેટલો પ્રયત્ન કરશો તો પણ નહીં ઘૂસી શકે.
ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ;
ગુરુ બિન સંશય ના મિટે, જય જય જય ગુરુદેવ. ગુરુ વગરનું જ્ઞાન સ્વછંદના કારણે ક્યાંક રખડાવી નાંખે છે પણ યથાર્થ સ્થળે પહોંચાડી શકતું નથી..