________________
ત્રણ મંત્રની માળા
૬૨૫
માહાભ્ય સમજો. આ મંત્ર અનાદિનું મિથ્યાત્વનું ઝેર ઉતારી, પરંપરાએ કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવે એવો છે. પરમકૃપાળુદેવ એ કોઈ સામાન્ય મહાપુરુષ નથી, એકાવનારી છે. આ કાળના પરમાત્મા છે. એમની વાણી એ ગણધરની વાણી છે. અત્યારે ભલે લાખો પંડિતો, વિદ્વાનો, શાસ્ત્રજ્ઞાનીઓ કે ગમે તેવા સાધકો હશે પણ એમની તોલે આવે એવા તમને હજારો વર્ષે પણ નહીં મળે. એવા મહાપુરુષનો તમને યોગ થયો છે અને એવા મહાપુરુષે આપેલો આ મંત્ર છે. પ્રભુશ્રીએ પાછું તેના ઉપર સિક્કો મારીને આપ્યો છે. જો કે, એ સિક્કાની જરૂર નથી, પણ આ તો તમને દઢ વિશ્વાસ થાય તેટલા માટે કહું છું.
ચારેબાજુ દોડાદોડ કરો છો. ધર્મના નામે પણ દોડો છો ને ધંધાના નામે પણ દોડો છો, સંસારના નામે પણ દોડો છો ! એક સ્થળે શાંતિથી બેસો. મંત્રમાં ચિત્ત ઓછું લાગે તો પછી ભક્તિ કરો, સ્વાધ્યાય કરો અને પાછું બળ વધારો. જુઓ! શ્રી આચારાંગસૂત્રમાં, શ્રી મૂલાચારમાં ભગવાને સાધુઓને આજ્ઞા આપી છે કે ચાર પ્રહર સ્વાધ્યાય કરો અને બે પ્રહર ધ્યાન કરો. ધ્યાનનું બળ છૂટે તો સ્વાધ્યાયમાં આવો અને સ્વાધ્યાયમાં બળ વધારીને ધ્યાનમાં જાવ. ચાર પ્રહર એટલે બાર કલાક સ્વાધ્યાય અને છ કલાક ધ્યાન. આ સાધુઓને કહ્યું છે, તો તમે અડધું તો કરો. એક પ્રહર ભક્તિ કર્તવ્ય, એક પ્રહર વિદ્યાભ્યાસ અને એક પ્રહર ધર્મકર્તવ્ય - એમ ત્રણ પ્રહરતો કરો. ધર્મકર્તવ્યમાં સામાયિકમાં મંત્રો દ્વારા ધ્યાનમાર્ગ લો. શાંતિથી ત્રણ સામાયિક કરો. પછી મોબાઈલને Silent mode માં રાખીને જોવાનું પણ નહીં કે કોનો ફોન હતો. કારણ કે, જેમ પાણીમાં પથ્થર નાંખે અને વર્તુળ ઉઠે તેમ કોનો ફોન હતો એ જોવા માત્રથી અનેક વિચાર આવે..
ઘાટકોપરના મંદિરમાં એક ભાઈ સામાયિકમાં બેઠેલા અને બાજુમાં જ એમનું ઘર હતું. એમના ઘરે આફ્રિકાથી કોઈ ફોન આવ્યો. એમના ઘરવાળાએ એમને સંભળાય તેવી રીતે કહ્યું કે, એ તો મંદિરમાં સામાયિકમાં બેઠા છે, આફ્રિકાથી બોલો છો? એટલે પેલા ભાઈ કટાસણું અને ચરવળો લઈને “ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણે વોસિરામિ !” કહીને ઊભા થઈ ગયા!! આપણી પણ આવી જ સ્થિતિ છે. મનુષ્યભવ કાલ પૂરો થઈ જશે અને કર્મના પોટલા બાંધીને અહીંથી જશો. એક સમયના વ્યર્થ દુરુપયોગથી એક ભવ વધે એટલા કર્મ બંધાઈ જાય છે. ભલે આપણને દેખાતા નથી, પણ એક અંતર્મુહૂર્તમાં જીવ સિત્તેર કોડાકોડી સાગરોપમનો બંધ પાડી શકે છે. એટલે ઉપયોગ ઉપર ઉપયોગ રાખી અને ઉપયોગની નિર્મળતા રહે, ભાવોની નિર્મળતા રહે, ભાવોની શુદ્ધિ રહે એ જ સાધના છે. ઉપયોગ એ જ સાધના છે.