________________
૨૭૦
ક્ષમાપના લો ! એમાં શું વાંધો છે? હીરો થોડો કસાઈ છે અને કસાઈ થોડો હીરો છે? હીરો હીરો છે, તેમ સમ્યગદર્શન એ સમ્યગુદર્શન છે. ગમે તે નાતમાં, જાતમાં રહીને પણ આ પ્રગટ કરી લો. એના માટે તત્ત્વની યથાર્થ શ્રદ્ધા જોઈએ. આચાર્ય શ્રી ઉમાસ્વામી ભગવાને કહ્યું છે,
तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् ।
– શ્રી તત્ત્વાર્થસૂત્ર - અધ્યાય - ૧ - સૂત્ર - ૨ તત્ત્વની સાચી શ્રદ્ધા વગર કામ નહીં થાય. તમે ગમે તે ધર્મમાં માનતા હો, ગમે તે ધર્મની ક્રિયા કરતા હો; પણ જો તત્ત્વની, શ્રદ્ધાની વિપરીતતા હશે તો તમે સાચો ધર્મ નહીં કરી શકો. તેને લીધે અનાદિકાળથી સંસારમાં રખડવું પડે છે, જન્મ-મરણ થયા કરે છે. આ જ મુખ્ય દુઃખ છે. જન્મ-મરણ કેટલા કર્યા? હજુ એનો થાક લાગ્યો નથી ! જો થાક લાગે તો પહેલું મિથ્યાત્વને કાઢવાનો પ્રયત્ન કરે. કરોડો કામ મૂકીને પણ આ કામ કરી લેવું. કેમ કે, જો સમ્યગદર્શન થતું હોય તો કાયમ માટેના તમારા જન્મ-જરા-મરણના ફેરા છૂટી જાય છે અને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. સમ્યગદર્શનનો પુરુષાર્થ આ મનુષ્યભવમાં જેવો થશે એવો બીજા એકેય ભવમાં નહીં થાય. અત્યારે મનુષ્યભવમાં તમે ગમે તે પ્રવૃત્તિ કે ક્રિયામાં હશો - ઉદયવશાત્ કે નિમિત્તવશાતું, પણ તેને ગૌણ કરી નાખો અને મુખ્યતા સમ્યગદર્શન પ્રાપ્ત થાય એની કરો. એના માટે તત્ત્વની સાચી શ્રદ્ધા કરો.
તત્ત્વનું સાચું સ્વરૂપ આપણને વીતરાગદેવ, નિગ્રંથગુરુ અને તેમના પ્રરૂપેલા ધર્મ દ્વારા પ્રાપ્ત થાય છે. જેને સમ્યગદર્શન પ્રાપ્ત કરવું છે તેણે વીતરાગદેવ સિવાય કોઈ અન્ય દેવને માનવા નહીં. જે કેવળજ્ઞાની સર્વજ્ઞ પરમાત્મા છે, અરિહંત પરમાત્મા છે, જેમને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય પ્રગટ થયા છે એના સિવાય બીજા કોઈ સતુદેવ નથી. એ સતુદેવને માનો, એમના બોધ પ્રમાણે શ્રદ્ધા કરો અને તમારી શક્તિ અનુસાર ચાલો. એવી રીતે આત્મજ્ઞાની નિગ્રંથ ગુરુ જોઈએ. આપણે ભગવાનનું ય શરણું નથી લીધું અને એમના કહેલા ધર્મનું ય સાચું શરણ નથી લીધું તેમજ એમના જે રત્નત્રયધારી મુનિઓ છે એમનું ય શરણું નથી લીધું. શરણું લીધું તો અજ્ઞાની મુનિઓનું લીધું અને અજ્ઞાનમય ધર્મનું લીધું. કેવળી ભગવાનના પ્રણીત ધર્મનું શરણું ન લીધું.
અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળી પ્રણીત ધર્મ- આ ચાર શરણાં સાચા છે. હવે દરેક સંપ્રદાયવાળા આ ચાર શરણાં તો લે છે, પણ રૂઢિ પ્રમાણે, વાસ્તવિક કે યથાર્થ નહીં. ભગવાન,