________________
૪૨૨
છ પદનો પત્ર અંદરમાં રહેવાની. એમને નિરાકુળતા નહીં રહેવાની. આ જ્ઞાન આપણી પાસે હાલ મોજૂદ પડ્યું છે. જેમ બાહુબલીજી પાસે કેવળજ્ઞાન અંદરમાં મોજૂદ હતું, પણ એક ઉપયોગ ફેરવે એટલી જ વાર હતી અને એવું તેમને નિમિત્ત પણ મળી ગયું હતું. ઋષભદેવ ભગવાને બન્ને બહેનો બાહ્મી અને સુંદરીને મોકલ્યા કે જાવ, જઈને તમારા ભાઈને કહો કે, વીરા મારા ! ગજ થકી નીચે ઉતરો. બસ આટલું વાક્ય સાંભળ્યું અને ખ્યાલ આવી ગયો કે મેં જે હેતુ માટે દીક્ષા લીધી છે એમાં મને આ માન નડી રહ્યું છે. મારે પહેલા મારા અઠ્ઠાણું ભાઈઓ, જે પહેલા દીક્ષિત થયા છે તેમને નમસ્કાર કરવા જ જોઈએ. આ ભાવથી જ્યાં એક ડગલું ઉપાડ્યું, ત્યાં કેવળજ્ઞાન પ્રગટ્યું. કેવળજ્ઞાન કંઈ દૂર નહોતું.
એમ આપણું આત્મજ્ઞાન આપણાથી દૂર નથી. એક પ્રદેશ પણ અસમીપ નથી, પણ આપણી દૃષ્ટિ ફરે તો. સપુરુષના બોધનું નિમિત્ત લઈ જો દૃષ્ટિ કે ઉપયોગ ફરે તો તે જ સમયે, સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય. સાચા દેવ, ગુરુ અને ધર્મનો નિર્ણય થવો જોઈએ. રત્નત્રય ધર્મ એ જ મોક્ષમાર્ગ છે. “સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ આ અંદરમાં દેઢ થવું જોઈએ. બાકી ભક્તિ, સ્વાધ્યાય, જપ, તપ, ભગવાનની પૂજા, સેવા, સામાયિક, પ્રતિક્રમણ બધું કરીએ, પણ એ વ્યવહાર ધર્મ છે. સાચો ધર્મ પરમકૃપાળુદેવે આ પ્રમાણે કહ્યો છે,
તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે.
– શ્રી પુષ્પમાળા - ૧૫ સંસારમળ એટલે કર્મમળ, તેનો નાશ તો રત્નત્રયધર્મ દ્વારા થાય. બીજો કોઈ ધર્મ છે નહીં. આટલો જો આપણને નિર્ણય થાય તો આ પણ એક પ્રકારનું સમકિત છે. ચરણાનુયોગની અપેક્ષાએ સમ્યગદર્શન એ સાચા દેવ-ગુરુ-ધર્મની યથાર્થ શ્રદ્ધા થવી તે છે. તે ચાહે સપુરુષના બોધ દ્વારા કરો કે કોઈ આગમના અવલંબન દ્વારા કે કોઈ જ્ઞાનીઓના વચન દ્વારા કરો. પૂર્વની આરાધના કરીને આવ્યા હોય તેને જાતિસ્મરણ જ્ઞાન દ્વારા સ્વયં થાય અથવા જિનબિંબ કે ગુરુની પ્રતિમા વગેરે નિમિત્તથી થાય. બાહ્ય નિમિત્તો અનેક છે. તો તેના દ્વારા પ્રથમ આપણને આટલો નિર્ણય થાય તો આપણે વ્યવહાર સમકિતમાં તો આવી ગયા.
આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વચ્છેદનિરોધપણે આપ્તપુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સમકિત કહ્યું છે.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૫૧