________________
૩૦૪
ક્ષમાપના
એનું નામ સ્વછંદ છે. ભગવાનની કે ગુરુની આજ્ઞા વગર તમે ગમે તે પ્રકારની, ગમે તેટલી સાધના કરો તો પણ યથાર્થ કાર્યની સિદ્ધિ નહીં થઈ શકે. દશા વગરનો જીવ હોય કે યોગ્યતા વગરનો જીવ હોય તેની આજ્ઞા તમે ગમે તેટલી માનો તો પણ કામ થવાનું નથી. આજ્ઞાંકિત જીવ મોક્ષમાર્ગનો અધિકારી છે. આજ્ઞા અનુસાર ચાલનારને આત્માના અનંતગુણો ક્રમે ક્રમે પ્રગટ થાય છે. આજ્ઞા અનુસાર કોણ પ્રવર્તી શકે? તો કે જે સાચો વિનયવાન જીવ હોય તે જ આજ્ઞાંકિત થઈ શકે. એટલે જ્યારે આજ્ઞા માની ત્યારે અજ્ઞાની હતા અને જ્ઞાની મળ્યા ત્યારે આજ્ઞા માની નહીં. પૈસા નહોતા ત્યારે ચણા ખાવાના ભાવ ખૂબ થયા અને પૈસા થયા ત્યારે દાંત તૂટી ગયા, એટલે ચણા ખાવા મળ્યા નહીં એવું થયું છે. આજ્ઞા એ સ્વચ્છંદને તોડવાનું બળવાન હથિયાર છે. જ્ઞાનીની આજ્ઞા એક જ છે કે સ્વરૂપસ્થ થાઓ.
નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજસમાધિમાંય.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૮ મન ઉપર જ્ઞાનની લગામ હોય તો મનને તમે ધારેલી દિશામાં વાળી શકો, એમ ઉપયોગ જ્ઞાનીની આજ્ઞા અનુસાર પ્રવર્તે તો ઉપયોગ પણ સ્વભાવના આશ્રયે પ્રવર્તીને આત્માનું કલ્યાણ કરી શકે. બે અક્ષરમાં માર્ગ કહ્યો છે છતાં અનાદિકાળથી એ પ્રાપ્ત નથી થયો એનો વિચાર કરો.
સંયમના હેતુથી યોગપ્રવર્તાના, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો; તે પણ ક્ષણક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો. અપૂર્વ. ૫
- શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૩૮ - “અપૂર્વ અવસર આજ્ઞામાં આખો મોક્ષમાર્ગ સમાય છે. હજી સુધી આપણે સાચા જ્ઞાની પાસે આજ્ઞાંકિત થયા નથી, નહીં તો આટલું પરિભ્રમણ આપણું રહ્યું હોત?
સ્વછંદ, મત આગ્રહતજી, વર્તે સદ્ગુરુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય,
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૭, ૧૮