________________
૬૭૬
દુર્લભ એવો મનુષ્યદેહ એક આત્માને જાણો તો આખો લોકાલોક જણાઈ જશે. પછી તમને લોકાલોક જાણવાની ઇચ્છા પણ નહીં રહે. અત્યારે ભલે ઇચ્છા છે કે આમ કરું ને તેમ કરું, પણ પછી ઇચ્છા પણ નહીં રહે.
એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. એટલે આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે. આત્માની ભાવના એટલે શુક્લધ્યાન. કેવળજ્ઞાન ક્યારે થાય? શુક્લધ્યાન હોય ત્યારે તો આ પ્રમાણે આત્મભાવના કરતાં ધર્મધ્યાનથી શુક્લધ્યાનમાં અને શુક્લધ્યાનમાંથી ધ્યાનાતીત અવસ્થા પ્રાપ્ત થાય છે. ધ્યાન એ પણ આત્માનો સ્વભાવ નથી. સિદ્ધ ભગવાન વગર ધ્યાને પણ સ્વરૂપમાં સ્થિર છે અને તમારે ધ્યાન કરવું પડે છે. આ બધાય ધ્યાન છૂટશે ત્યારે સિદ્ધ અવસ્થા પ્રગટ થશે. શુક્લધ્યાન છૂટ્યા પછી સિદ્ધ અવસ્થા થાય છે. એટલે સિદ્ધને શુક્લ ધ્યાન નથી કહેવાતું.
રાગ-દ્વેષ થવાનું કારણ દર્શનમોહ હતું. દર્શનમોહ અને ચારિત્રમોહ નષ્ટ થઈ ગયો, તો હવે એ અખંડપણે આત્મભાવનામાં, આત્મધ્યાનમાં, આત્મસમાધિમાં રહેવાનો છે. આત્મભાવના ચોથા ગુણસ્થાનકથી શરૂ થાય છે અને ચૌદમા ગુણસ્થાનકમાં એની પૂર્ણતા થઈ જાય છે. આ પ્રમાણે અહીં જ્ઞાની પુરુષોએ આપણને બોધ આપ્યો છે. આપણે એ પ્રમાણે શ્રદ્ધા રાખીને ભૂમિકા અનુસાર વર્તવાનું છે અને બાકીની શ્રદ્ધા રાખવાની છે.