________________
છ પદનો પત્ર
૫૮૯
જે ગુણો જોઈએ કે જેના કારણે સમ્યક્ત્વ પ્રગટ થાય એવી પાત્રતા ને યોગ્યતા જો આપણામાં ના આવે તો આપણે ભલે મુમુક્ષુ કહેવાતા હોઈએ, કોઈ ઉચ્ચ સંપ્રદાયના અનુયાયી કહેવાતા હોઈએ, કોઈ મહાગુરુઓના ફોલોઅર્સ કહેવાતા હોઈએ, પણ કાર્યની સિદ્ધિ તો પાત્રતા વગર બનવાની નહીં. કેમ કે, જેનો અનાદિકાળથી અભ્યાસ છે, તે અત્યંત પુરુષાર્થ કર્યા વિના અલ્પકાળમાં છોડી શકાય નહીં. એટલે તેના માટે દીર્ધકાળ સુધી પુરુષાર્થ, જ્ઞાનીઓના વચનોનું અવલંબન, જગતની વિસ્મૃતિ અને દીર્ઘકાળ સુધી સત્તું ચરણ જોઈએ.
દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે; અને એ બોધબીજ તે પ્રાયે નિશ્ચય સમ્યક્ત્વ હોય છે. અંદરમાં હાજરહજૂર દેવ બેઠો છે ને આપણી નજરમાં નથી આવતો. આનાથી બીજું કયું આશ્ચર્ય ! જે દેખાય છે તેનો જીવ સ્વીકાર કરે છે, પણ જે દેખે છે તેનો સ્વીકાર કરતો નથી. આત્મા કંઈ ગામ ગયો છે ? પરદેશ ગયો છે ? ક્યાંય ગયો નથી. અંદ૨માં જ મોજૂદ છે. જ્ઞાનનેત્રથી તમે જુઓ તો હાલ જણાય એવો, ૨૪ કલાક હાજરાહજૂર આ દેવ છે. એક સમય પણ એની ગેરહાજરીમાં દુનિયાના કોઈ કાર્યો થતાં નથી. આ લૌકિક કાર્યો પણ તમે જે કરો છો, તે એમની ગેરહાજરી હોય તો એકેય ના થાય. છતાં જીવ પૂછે છે કે સાહેબ ! આત્મા છે ; આ જ્ઞાનીઓની કલ્પના છે ? પોતાની કલ્પનાને નથી જોતો, પણ જ્ઞાનીઓની વાતને કલ્પના માને છે !
મીઠા પાણીના સરોવરમાં રહેનાર વ્યક્તિ એમ કહે કે હજુ હું તરસ્યો છું અને મને બહારના કૂવામાંથી પાણી લાવીને પીવડાવો. તો એ કેવો કહેવાય ? એક વખત કોઈ એક માણસ એક સંત પાસે જાય છે અને કહે છે કે મને આત્મજ્ઞાન કરાવો. એટલે તે સંત તેને બાજુના તળાવમાં રહેતા મગરમચ્છ પાસે મોકલે છે અને કહે છે કે તું ત્યાં જા. તો તારું કામ થઈ જશે. એટલે પેલો માણસ એ મગરમચ્છ પાસે ગયો અને આત્મજ્ઞાનની માંગણી કરી. મગરમચ્છે તેને કહ્યું કે મને બહુ તરસ લાગી છે તો બાજુના કૂવામાંથી એક લોટો પાણી લાવી આપું, પછી હું આત્મજ્ઞાન આપું. એટલે આ માણસને બહુ નવાઈ લાગી અને કહ્યું કે તમે પોતે જ આ પાણી ભરેલા તળાવમાં રહો છો તો એમાંથી જ પી લો ને. મારી પાસે બહારથી કેમ મંગાવો છો ? મગરમચ્છે હસતાં હસતાં તેને કહ્યું કે હું પણ તને એ જ કહું છું કે તારી અંદરમાં જ આત્મજ્ઞાન છે, અનંતસુખ છે, તો તું બીજે ક્યાં ભટકે છે ?
કસ્તૂરી કુંડલ બસે, મૃગ ઢૂંઢે વનમાંહી; ઐસે ઘટી ઘટી આતમા, પર દુનિયા દેખત નાહીં !