________________
૬૫૬
દુર્લભ એવો મનુષ્યદેહ દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે ?
દોરી તૂટી આયુષ્યની તો સાંધનારું કોણ છે? જેમ દીવો સળગતો હોય અને તેલની એક એક બુંદ બળતી જાય અને તેલ ખલાસ થઈ જાય એટલે દીવો ઓલવાઈ જવાનો. પછી દીવો બળે નહીં. એવી રીતે આયુષ્ય કર્મના નિષેકો
જ્યાં સુધી છે ત્યાં સુધી દેહ રહે છે અને આયુષ્ય કર્મના નિષેકો સોપક્રમથી કે નિરૂપક્રમથી ભોગવાઈ જાય અને સ્ટોક પૂરો થઈ જાય એટલે દેહ છોડવો પડે છે. જ્યાં સુધી મોક્ષ ન થાય સુધી નવા નવા દેહ તો મળ્યા જ કરવાના છે. માટે, દેહાત્મબુદ્ધિ છોડો, દેહાધ્યાસ તોડો તો નવા દેહ મળવાનું બંધ થાય.
આ દેહ પ્રત્યેનો મોહ, દેહ પ્રત્યેની આસક્તિ, દેહમાં “હું પણું એ નવા દેહને ઉત્પન્ન થવાનું બીજ છે. આપણે જગતના બહારના કેટલાયે ચેતન-અચેતન પદાર્થોમાં એકત્વ સંબંધ બાંધીને બેઠા છીએ. તે અને દેહ સાથેના એકત્વપણાને છોડવાનું છે. લોકો ભલે ગમે તેટલો ધર્મ કરતા હોય, ગમે તેટલી ધર્મની ક્રિયાઓ કરતા હોય પણ જયાં સુધી પર સાથેનું એકત્વપણું છૂટ્યું નથી ત્યાં સુધી કોઈ પણ જીવ સાચી શાંતિનો કે મોક્ષનો અધિકારી બની શકતો નથી.
હે મુનિઓ ! દહાડો પવાડો કરી, બાળી ઝૂડી, સ્નાન સૂતક કરી, ક્લેવર ફેંકીને ચાલ્યા જાવ એમ જ્ઞાની પુરુષો કહે છે. કલેવર ફેંકીને ચાલ્યા જાવ એટલે દેહાધ્યાસ છોડીને ચાલ્યા જાવ. ક્યાં સુધી દેહાધ્યાસ રાખશો? અને દેહાધ્યાસ રાખશો તો પણ દેહતમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનો નથી. એ કર્મના ઉદય પ્રમાણે ચાલવાનો છે. જે ચીજ તમારી નથી એમાં મોહ કરશો, રાગ કરશો, એત્વબુદ્ધિ કરશો તો દુઃખી થશો, રખડશો. માટે સાચો ધર્મ તો દેહાત્મબુદ્ધિ છોડવી, દેહાધ્યાસ છૂટવો તે છે. ધર્મની ગમે તેટલી ક્રિયાઓ કરો પણ દેહાત્મબુદ્ધિ ન છૂટી તો એ બધી ધર્મની ક્રિયાઓ સંસારના હેતુભૂત થાય છે, મોક્ષના હેતુભૂત બની શકતી નથી. કલ્પનાથી ગમે તે માની લો એ ન ચાલે. વાસ્તવિક દશાનું ફળ છે, માન્યતાનું ફળ નથી. હું એમ માની લઉં કે હું જ્ઞાની થઈ ગયો છું, હવે મને કંઈ વાંધો નથી, મારા કષાય ઘણા ઘટી ગયા છે, મારે સંસારનો રસ પણ ઉડી ગયો છે. એ તો પ્રભુ! તારે અત્યારે તીવ્ર ઉદય નથી ને મંદ છે એટલે ઠીક છે, પણ જ્યાં પાછા નિમિત્તો મળે છે અને ઉદય આવે છે એટલે ભલભલા અગિયારમા ગુણસ્થાનકવાળા પણ પહેલા ગુણસ્થાનકમાં આવી જાય છે. બીજાની તો વાત જ ક્યાં છે ! માટે, છેક કેવળજ્ઞાન થાય ત્યાં સુધી જાગૃતિપૂર્વક જીવન જીવવાનું છે. ક્ષણે-ક્ષણે, કાર્ય-કાર્યો, પ્રસંગે-પ્રસંગે આત્માની જાગૃતિપૂર્વક જીવન જીવે એ જ મનુષ્યભવને સાચો સફળ કરી શકે.