________________
૧૧૪
ભક્તિના વીસ દોહરા
અજ્ઞાનતાના કારણે હું બની રહ્યો છું. દોષો કરવા અને તેનું અભિમાન કરવું એ અધમાધમનું લક્ષણ છે. અધમાધમ અધિકો પતિત એક તો દોષ કરે અને પાછો અભિમાન કરે. અભિમાન એ મોટો દોષ છે. ગુણોનું અભિમાન કરે તો હજી ઠીક છે. જો કે, એ પણ સારું તો નથી. દોષો કરવા અને તેનું અભિમાન કરવું, ગુનો કરવો અને તેનું અભિમાન કરવું એ અધમાધમ જીવનું લક્ષણ છે. પોતાના દોષો તપાસવા. બીજા આપણને ગમે તેવું સર્ટિફિકેટ આપે એ મોક્ષમાર્ગમાં ચાલતું નથી. દુનિયાના જીવોના સર્ટિફિકેટના આધારે આપણો મોક્ષમાર્ગ ચાલતો નથી કે આપણામાં ગુણો પ્રગટ થતા નથી. વાસ્તવિકતા શું છે એ પોતે જુએ તો ખ્યાલ આવે.
એ અભિમાન કાઢવાનું છે. દોષો કરવા અને તેનું અભિમાન કરવું એ તો ભયાનક વસ્તુ કહેવાય. એ બતાવે છે કે આ જીવ કેટલો નીચી ભૂમિકામાં ઉતરી ગયેલો અધમમાં અધમ જીવ છે. દોષોનો પશ્ચાત્તાપ થવો જોઈએ, ભૂલોનો પશ્ચાત્તાપ થવો જોઈએ. એને બદલે અભિમાન થાય એ ઘણું વિપરીત કહેવાય. એટલે એ કેવા જીવનું લક્ષણ છે? અધમમાં અધમ જીવનું આ લક્ષણ છે. હું મારું સ્વરૂપ ભૂલીને કર્મરૂપી દોષથી પ્રાપ્ત થયેલ કુળ, રૂપ, બળ, વિદ્યા, ધન, સંપત્તિ વગેરે બાહ્ય સામગ્રીમાં અભિમાન કર્યા કરું છું. આઠ પ્રકારના મદ છે. જીવ અજ્ઞાનતામાં પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે. પૂર્વે કરેલ શુભ કર્મના ઉદયથી કાંઈક ઊંચું કુળ મળ્યું તો એ જીવ કુળનું અભિમાન કરે છે એટલે હવે એ નીચ કુળમાં જન્મે એવું કર્મ બાંધવાનો. કુળનું અભિમાન પણ કરવા જેવું નથી. કેમ કે, કુળ તો આ એક ભવ પૂરતું જ છે. પછી તિર્યંચમાં કે નરકમાં તો બધા નીચ કુળ જ છે.
જીવ પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. આત્માનું કોઈ કુળ, રૂપ, બળ, જાતિ છે નહીં. કોઈને ઉચ્ચ કુળ મળે છે, તો કોઈને નીચ કુળ મળે છે. એ બધા કર્મો છે. આત્મા તો બધાના સરખા છે. એકનો એક આત્મા અત્યારે ઉચ્ચ કુળમાં છે. એનો એ જ આત્મા પાછો નીચ કુળમાં જાય છે. નીચ કુળમાં અત્યારે આત્મા છે એ ઉચ્ચ કુળમાં પણ આવે છે. એટલે કુળનું પણ અભિમાન કરવા જેવું નથી. એવી રીતે રૂપનું પણ અભિમાન કરવા જેવું નથી. રૂપ શરીરનું છે, આત્માનું નથી. શરીરમાં અહંપણું કરવાથી રૂપનું અભિમાન થઈ જાય છે. જીવ પોતાના રૂપને વધારે રૂપવાન થાય એવું દેખાડવા માટે બહારમાં અનેક પ્રકારના પાપો કરીને કમ બાંધે છે અને એ રૂપનો અંદરમાં અહંકાર કરે છે. એવી રીતે શારીરિક બળ મળ્યું હોય તો એ બળનું પણ અભિમાન થાય છે. બીજા કરતાં પોતાને વધારે બળવાન માને છે. એટલે શરીરના બળના કારણે વાતવાતમાં બીજા જીવોને દબાવે છે. આ બધી બાહ્ય સામગ્રીઓ છે, એનું પણ અભિમાન