________________
૩૨૬
ક્ષમાપના
થતાં આત્મા વિભાવમાંથી ફરીને સ્વભાવ તરફ ઢળે છે. આ એની શરૂઆત થઈ ગઈ હવે. અત્યાર સુધી ચોવીસ કલાક ઉપયોગ પરભાવમાં વર્તતો હતો.
પરમકૃપાળુદેવ કહે છે, ‘અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર.’ શુદ્ધ આત્મામાં પરિણમવું તે જ પવિત્રતા છે. આ પવિત્રતાની વાત ચાલે છે. તમે સ્નાન કરો એ પવિત્રતા નથી, અગરબત્તી સળગાવો ને રૂમ પવિત્ર થાય એ પવિત્રતા નથી, અહીં તો શુદ્ધ ભાવની અંદરમાં પરિણમવું તે પવિત્રતા છે. શુદ્ધોપયોગ તે પવિત્રતા છે, શુભોપયોગ તે પવિત્રતા નહીં, અશુભોપયોગ તો નથી જ અને આ સિવાય બીજો કોઈ ઉપયોગ હોતો નથી. કાં તો અશુભ ઉપયોગ હોય, કાં શુભ કાં તો શુદ્ધોપયોગ હોય. તો, શુદ્ધોપયોગ એ જ પવિત્રતા છે અને અશુદ્ધોપયોગ એ જ અપવિત્રતા છે.
હે ભગવન્ ! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું, હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું.
કેવી કેવી ભૂલો જીવે કરી છે એના માટે આ ક્ષમાપના છે. સંસારમાં કોઈ જીવ એવો નથી કે જેણે નાની - મોટી ભૂલો ના કરી હોય. દરેકની છદ્મસ્થ અવસ્થા છે, તો ભૂલ તો થવાની; પણ એ બધામાં મોટામાં મોટી ભૂલ કે હું આત્મા છું, એ વાત જીવ ભૂલી ગયો અને પોતાને દેહરૂપે માન્યો. ચેતન અચેતન કે મિશ્ર – જે દ્રવ્યો સંયોગોમાં છે તેને પોતાના માન્યા. બસ, આ ભૂલ છે. પોતાનું નથી એને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું – આ મોટો દોષ છે. પરમકૃપાળુદેવે કહ્યું છે, ‘જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી સત્સુખનો તેને વિયોગ છે. એમ સર્વધર્મ સમ્મત કહ્યું છે.’ આપણને કોઈવાર એમ લાગે કે બીજા બધા ભૂલી ગયા છે, પણ હું ક્યાં ભૂલી ગયો છું. હું તો આત્મા જ છું. પણ તે તો બોલવામાં, ક્ષયોપશમ જ્ઞાનમાં ‘આત્મા છું’ એમ કહેવું કે શ્રદ્વવું એ અલગ વસ્તુ છે અને અનુભવપૂર્વક, સ્વસંવેદનપૂર્વક અંદરમાં એની ઓળખાણ થવી એ અલગ વસ્તુ છે. શ્રદ્ધા થવી અલગ વસ્તુ છે. પરમકૃપાળુદેવ કહે છે,
મુખથી જ્ઞાન કથે અને, અંતર્ છૂટ્યો ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૩૭