________________
ક્ષમાપના
૨૭૧
ગુરુ, ધર્મ કોને કહેવાય અને સાચું શરણું કોને કહેવાય એ સમજીને નહીં. તો સાચું શરણ ન લેવાય ત્યાં સુધી કાર્યની સિદ્ધિ થાય નહીં. તમે સુખડી ખાધી અને તમારી ભૂખ ના ભાંગે તો તમે સુખડી ખાધી નથી. એક જાગતા સુખડી ખાવ અને એક ઊંઘમાં સુખડી ખાવ. ફરક ખરો કે નહીં ? ઊંઘમાં ય તમે સુખડી ખાધી, પણ ઊઠ્યા તો પાછી ભૂખ લાગી. ‘ભાઈ ! હમણાં તો સુખડી ખાધી આટલી બધી.’ ‘એ તો સાહેબ ! સ્વપ્નમાં ખાધી.' એમ તમે જે ધર્મ કરો છો એ બધો સ્વપ્નમાં કરો છો, વાસ્તવિક કર્યો નથી. વાસ્તવિક થાય અને ધર્મનું ફળ ન મળે, આત્માની શાંતિ ન મળે, ચાર ગતિનું પરિભ્રમણ ના છૂટે અને બધા દુઃખ ના છૂટે એવું બની શકે નહીં. પારસમણિ લોખંડને અડે તો લોઢાનું સોનું ના થાય એમ બને નહીં અને સોનું ના થયું તો, કાં તો પારસમણિ ખોટો અને કાં તો લોઢું ખોટું. જો લોઢું સાચું હોય અને પારસમણિ સાચી હોય તો અવશ્ય લોઢાનું સોનું થયા વગર રહે નહીં. તમે ધર્મ ઘણો કર્યો પણ કાં તો ધર્મ ખોટો અને કાં તો તમે ખોટા, નહીંતર ધર્મનું ફળ આવ્યા વગર રહે નહીં. અત્યાર સુધી ધર્મ પકડ્યો એ પણ તમારી કલ્પના પ્રમાણે પકડ્યો એટલે ખોટો અને તમે તો ખોટા હતા જ, અને તમે કલ્યાણ ઇચ્છો તો ક્યાંથી થાય ? ‘સાહેબ ! આટલા વર્ષથી ધર્મ કરું છું ને’ ‘અરે ! આટલા વર્ષ શું હજી અનંતકાળ કરીશ તોય નહીં થાય.’
સમજે તો સહજમાં છે અને ના સમજે તો અનંત ઉપાયે પણ કાર્યની સિદ્ધિ ના થઈ શકે. ‘અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું.’ ‘પોતે પોતાને ભૂલી ગયો છે અને તેથી સત્સુખનો તેને વિયોગ છે.' અન્યને પોતાનું માનવું એ પોતે પોતાને ભૂલી જવાપણું છે. આત્મા સિવાય કોઈ અન્યને પોતાનું માનવું એનો અર્થ જ એ કે પોતે પોતાને ભૂલી ગયો છે. આ મારું કુટુંબ છે, આ મારો દેહ છે, આ મારા ઘરવાળા છે, આ મારા મિત્રો છે, આ મારા દુશ્મન છે – આ બધાયમાં મારાપણું છે. હકીકતમાં હું આત્મા છું અને મારું કોઈ કુટુંબ નથી, મારું કોઈ ઘર નથી. મારું કુટુંબ તો મારું સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્રના ગુણો છે. મારા આત્માના પ્રદેશથી બહા૨માં મારું કંઈ છે જ નહીં.
-
અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની દેશના જ્ઞાનીપુરુષોએ પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય.
– શ્રીમદ્ રાજચંદ્ર – પત્રાંક - ૪૯૩ - ‘છ પદનો પત્ર’