________________
ભક્તિના વીસ દોહરા
૭૯
છૂટવું હોય તો જ્ઞાનીની વાત માન. તને કોની વાત બેસે છે ? લોકોની વાત બેસતી હોય તો સમજજે કે હજી મારી પાત્રતા થઈ નથી. લૌકિક વિચારોને ત્યાગો. ભૌતિક વિચારોને ત્યાગો. લૌકિક વિચા૨માં લૌકિકતા હોય, અલૌકિકતા ના હોય. પરમકૃપાળુદેવે શ્રી સોભાગભાઈને પત્રાંક - ૩૨૨ માં કહ્યું છે કે તમે અને અમે જો લૌકિક માર્ગે પ્રવર્તશું તો અલૌકિક માર્ગે કોણ પ્રવર્તશે ? લૌકિકમાર્ગ જુદો છે અને આત્મિક માર્ગ જુદો છે. ભૌતિકમાર્ગ જુદો છે અને આધ્યાત્મિકમાર્ગ જુદો છે. એ બંનેની તુલના થઈ શકે નહીં.
સત્પુરુષની વાત ઉપર લક્ષ આપો તો આત્માનો લક્ષ થાય. જગતમાં ધર્મ ઘણા કરે છે, પરંતુ ત્યાં જ્ઞાન કેમ થતું નથી ? દરેક જુદા જુદા સંપ્રદાયવાળા પોતપોતાની માન્યતા અનુસાર ધર્મ કરે છે. મુસલમાન ભાઈઓ પાંચ વખત નમાજ પઢે છે. ઉપવાસ કરે છે ત્યારે થૂંક પણ ગળતા નથી. ધર્મ ઘણા કરે છે પણ ત્યાં આત્માનું જ્ઞાન કેમ થતું નથી ? આત્માની સાચી શાંતિ કેમ નથી મળતી ? આત્માનો સાચો આનંદ કેમ મળતો નથી ? ધર્મમાં તો આત્માનો આનંદ અને આત્માની શાંતિ છે; આકુળતા-વ્યાકુળતા નથી, અનાકુળતા છે. સુખાભાસ નથી, વાસ્તવિક સુખ છે. લોકો જે ધર્મ કરે છે તે ધર્મ નથી. તે તો ભીખ માંગવા આવે છે. ભિખારી તમને કહે છે કે બાપા ! બીડી પીવડાવો, તમને ધર્મ થશે. એક કપ ચ્હા પીવડાવો, તમને ધર્મ થશે. તો આ પીવડાવવામાં ધર્મ છે એમ ? બીડી પીવડાવવામાં ધર્મ છે એમ ? એ ધર્મનું સ્વરૂપ નથી..
આ બધા પૈસાવાળાઓએ ધર્મ કર્યો એટલે ભગવાને પૈસા આપ્યા એવું નથી પ્રભુ ! ધર્મમાં પૈસાનું સ્વરૂપ જ નથી. સંસારની કોઈ વાત જ નથી. ધર્મ એ તો આત્માનો સ્વભાવ છે. તેને કોઈની પાસે માંગવો પડતો નથી, સ્વયં પ્રગટ થાય છે. જ્યાં કોઈપણ પ્રકારની માંગણી છે ત્યાં ધર્મ નથી અને જ્યાં ધર્મ છે ત્યાં કોઈપણ પ્રકારની માંગણી નથી. જે સાચો ધર્મ કરે છે તેને કોઈ વસ્તુ જોઈતી નથી. કેમ કે કોઈ વસ્તુમાં શાંતિ, સુખ, આનંદ નથી અને કોઈ વસ્તુ આપણી થાય એવી નથી. ગમે તેટલી વસ્તુઓ હોય, એ બધી સંયોગમાં છે. એનો વિયોગ નિયમથી થવાનો. જેમ તમે બધા સત્સંગમાં પલાઠી વાળીને, શાંતિથી બેઠા છો. પણ એ થોડા સમય માટે છે, પછી નીકળી જવાના છો. તમને લાગે કે અહીં બહુ આનંદ છે, આવું ને આવું કાયમ મળે તો સારું ! આવું ને આવું કાયમ મળે તો પણ શાંતિ અને સુખ નથી.
સાચું સુખ આત્મામાં છે અને આપણે બધા આત્મા છીએ એવો નિર્ણય પહેલા દૃઢ કરો. આત્મા સિવાય સાચું સુખ ક્યાંય નથી. જે બીજા સુખ છે, તે સુખાભાસ છે, એ ભ્રાંતિયુક્ત સુખ છે, કાલ્પનિક સુખ છે, વાસ્તવિક સુખ નથી. પાકો નિર્ણય કરો. આપણે લલચાઈ જઈએ