________________
૧૦૩
ભક્તિના વીસ દોહરા
પ્રયત્ન કરે તો છૂટી શકાય એવું હોય, છતાં ઉદય માને છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે હોય મોહ અને માને ઉદય તો કર્મ ભૂલથાપ ખાય નહીં. પ્રયત્ન કરવા છતાંય ના છૂટાય તો ઉદય, પણ પ્રયત્ન કરીએ નહીં અને ઉદય ઉદય કરીએ કે શું થાય સાહેબ! મારે ઉદય છે ! તો, એ તો તું મરીશ ત્યાં સુધી બધા ઉદય રહેવાના છે. એમાં ક્યાં નવાઈની વાત છે ! આવું-પાછું તો કરવું પડે. તમારે અહીં મુંબઈથી અમદાવાદ આવવું હતું ત્યારે ઉદય-ઉદય કર્યું હોત તો નીકળી શકાત નહીં. બધાયને હડસેલો મારીને નીકળી ગયા તો આવી શકાયું. તમારે ત્યાં કામ તો હતું, છતાંય તમે દઢ નિર્ણય કરી અને આદું-પાછું કરીને નીકળી ગયા તો અવાયું. બસ, એવી રીતે મોક્ષમાર્ગમાં પણ આવું-પાછું કરશો તો પુરુષાર્થ ચાલશે. ઉદય-ઉદય કરશો તો ઉદય તો કોઈનો મોળો પડતો નથી. સંસારમાં બધાયના ઉદય ચાલુ જ છે. ઉદયમાં પણ કામ થઈ શકે છે. કર્મોનો ઉદય કર્મમાં છે, આત્મામાં નથી. “સહુ સાધન બંધન થયા.”બધી સાધનાઓ બંધનું કારણ થઈ, મુક્તિનું કારણ ના થઈ. બધાય ઉપાય કર્યા, કોઈ ઉપાય કામ ન આવ્યો. કેમ કે સાચું સાધન તો શુદ્ધોપયોગ અને સ્વરૂપના આશ્રયે ઉપયોગ રહે તે છે, એ ના કર્યું તો પછી બધાય પ્રકારના બંધનો જાય કેવી રીતે?