________________
શું સાધન બાકી રહ્યું ?
૨૨૭
નરસિંહ મહેતા, મીરાંબાઈ ડબલ ગ્રેજ્યુએટ હતા ? કે ઇજનેર હતા ? કે ડૉક્ટર હતા ? છતાં આજે એમના પદો પર પી.એચ.ડી. થાય છે અને તે વધારે ભણેલો કહેવાય છે. એમના બનાવેલા ભક્તિના પદો મોટા મોટા માણસો પણ પ્રેમથી ગાય છે અને સાંભળે છે.
ખરચે ન ખૂટે, વાકો ચોર ન લૂંટે; દિન દિન બઢત સવાયો.
આ પ્રેમ કોઈ લૂંટી શકે તેમ નથી. અંદર જે ઝરો ફૂટ્યો છે ભગવાન પ્રત્યે, પોતાના આત્મા પ્રત્યેના પ્રેમનો, એ પ્રેમ સમકિતને ખેંચી લાવે છે, સમ્યગ્દર્શનને ખેંચી લાવે છે. પ્રેમ સહજ અને નિષ્કામ ભક્તિપૂર્વકનો હોવો જોઈએ. સકામ ભક્તિપૂર્વકના પ્રેમમાં બાર્ટર સિસ્ટમ ને માંગણીઓ છે અને નિષ્કામ ભક્તિમાં કોઈ માગંણી નથી, કોઈ ઇચ્છા નથી, માત્ર ઉત્કૃષ્ટ ગુણાનુરાગ છે. આવો પ્રેમ આપણામાં આવવો જોઈએ. પાત્રતા થશે તો સહજ આવશે. જેમ જેમ પાત્રતાનો વિકાસ થતો જાય છે તેમ તેમ સહજ પ્રેમ આવતો જાય છે, વધતો જાય છે – નદીના પ્રવાહની જેમ. પ્રેમભક્તિ વર્ધમાન થાય તેમ તેમ જીવમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની યોગ્યતા આવતી જાય છે અને આત્મજ્ઞાન થયું હોય તો કેવળજ્ઞાન થવાની યોગ્યતા વધતી જાય છે. લાખો રૂપિયા ખર્ચવાથી યોગ્યતા નથી આવતી, પણ આવી પાત્રતાના કારણે યોગ્યતા આવે છે. ગોપીઓની ભક્તિ નિષ્કામ હતી. એમને કૃષ્ણ સિવાય બીજું કશુંય જોઈતું નહોતું. કૃષ્ણ માટે એ બધું છોડવા તૈયાર હતી.
તનસે, મનસે, ધનસે, સબસે, કૃષ્ણ કી આન સ્વ-આત્મ બસે. તબ કારર્જ સિદ્ધ બને ગોપી કો.
આવો પ્રેમ અને આત્માનું માહાત્મ્ય જેને આવ્યું તેને અંતરાત્મા અને પરમાત્મા પ્રત્યે પ્રેમ વધ્યા વગર રહેતો જ નથી. જે અંતરાત્માને આત્માની અનુભૂતિ સહિત આત્માનું માહાત્મ્ય આવ્યું છે, તેમનો પ્રેમ ભૌતિક સુખ કે ભૌતિક પદાર્થો કે ભૌતિક જીવો પ્રત્યે ના હોય. તેમનો પ્રેમ અલૌકિક માર્ગ પ્રત્યે હોય. ‘તમે અને અમે લૌકિક માર્ગે પ્રવર્તશું તો અલૌકિક માર્ગે કોણ પ્રવર્તશે ?’ આવી યોગ્યતા આવવી જોઈએ અને આત્માનું સાચું માહાત્મ્ય આવે તો એ યોગ્યતા આવ્યા વગર રહેતી નથી અથવા સાચા જ્ઞાનીઓનો યોગ થયો હોય અને આજ્ઞાશ્રિતપણે વર્તતો હોય તો તેનામાં પણ આવી યોગ્યતા આવી જાય છે. આટલો પ્રેમનો પ્રવાહ સદેવગુરુ-ધર્મ પ્રત્યે આપણે વધારવાનો છે.