________________
શું સાધન બાકી રહ્યું ?
૨૨૩
સમ્યક્દષ્ટિ જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત મોક્ષમાર્ગમાં જ રહે. અનુક્રમે આગળ વધી મોક્ષ પ્રાપ્ત કરે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બે ની છે - એક જ્ઞાનીપુરુષની અને જ્ઞાનીપુરુષના સાચા આશ્રયવાનની. એ મોક્ષમાર્ગમાં રહે અને અનુક્રમે આગળ વધીને મોક્ષને પ્રાપ્ત કરે. જે મોક્ષમાર્ગમાં છે તે મોક્ષને પ્રાપ્ત કરવાનો છે. પરમકૃપાળુદેવે પત્રાંક - ૫૬૯માં કહ્યું છે, કોઈપણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદજાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. તથારૂપ જોગને એટલે આત્મજ્ઞાનીઓના નિમિત્તને પામીને, જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય એટલે કે ભેદજ્ઞાન દ્વારા અભેદ એવા આત્માની અનુભૂતિ થાય, તો તેને મોક્ષ વિશેષ દૂર નથી ને જેને આત્મજ્ઞાન થયું તેને હવે મોક્ષ દૂર નથી.
તેને ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, શ્રદ્ધા અપેક્ષાએ કેવળજ્ઞાન થયું છે અને પછી ક્રમે ક્રમે સંપૂર્ણ કેવળજ્ઞાનને પ્રાપ્ત થઈ જાય છે. સત્પુરુષ સાચા મળે, બોધ આપે પછી જીવ જો તે બોધ અને આજ્ઞા પ્રત્યે અપૂર્વ પ્રેમ આણી બળિયો થઈને આરાધે તો પાત્ર થાય અને આગળ દશા પ્રાપ્ત કરતાં સમકિત પામે. સાચા સત્પુરુષ મળે અને તત્ત્વનો બોધ આપે, આત્માનો બોધ આપે પછી જો જીવ તે બોધ અને આજ્ઞા પ્રત્યે અપૂર્વ પ્રેમ લાવે તો કામ થાય. અપૂર્વ પ્રેમ એટલે તેના જેવો જગતના કોઈ બીજા પદાર્થો પ્રત્યે કે કાર્ય પ્રત્યે નહીં. અપૂર્વ એટલે પૂર્વે ક્યારેય પ્રાપ્ત નથી થયો તેવો. તમે અહીંથી મુંબઈ ગયા. દોઢ કરોડની વસ્તી હશે. હવે તમે પહેલી જ વખત જાવ છો. તમને એમ થાય કે ક્યાં ઉતરીશું ? ક્યાં ખાઈશું? ક્યાં પીશું ? ક્યાં ફ૨શું ? કોણ મને ફે૨વશે? ને ક્યાં જઈશું ? આમ મુંઝાવ છો. હવે તેમાં એક ઘર ઓળખીતું હોય એ તમને લેવા આવે, તો તમે આખી મુંબઈમાં સહીસલામતીથી ફરશો, ખાશો, પીશો, રહેશો અને આનંદ કરશો. મુંઝાશો નહીં. એક ઓળખીતો નથી તો મૂંઝવણ અને એક ઓળખીતો મળે તો મૂંઝવણ દૂર.
તેમ મોક્ષમાર્ગમાં એક જ્ઞાની મળી જાય છે એટલે મોક્ષના બધા વિકલ્પો દૂર થઈ જાય છે. મારો મોક્ષ એટલે નિજ શુદ્ધતા. મારી શુદ્ધ અવસ્થા થાય એ જ મારો મોક્ષ છે અને શુદ્ધ અવસ્થા મારા સ્વરૂપને આશ્રયે જ થાય છે અને સ્વરૂપનો આશ્રય ભેદવિજ્ઞાન દ્વારા અભેદ દૃષ્ટિ કરવાથી થાય છે. એટલે હવે તે ભેદજ્ઞાનનું બળ વધારતો જાય છે.
भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये क्लि केचनः;
यस्यैवा भावो बद्धाः, बद्धा ये क्लि केचन ।