________________
૨૧૭
શું સાધન બાકી રહ્યું ? ભિન્ન પદાર્થમાં શોધવાથી એકત્રાવગાહ રહેલી અભિન્ન વસ્તુનો આનંદ આપણે પ્રાપ્ત કરી શકતા નથી, જેનું કારણ અજ્ઞાન છે અને મોહ છે.
પોથી પઢી પઢી જગ મૂઆ, પંડિત ભયા ના કોઈ;
ઢાઈ અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોઈ. પંડિતો પુસ્તકોની પાછળ પડે છે. ક્રિયાકાંડીઓ ક્રિયાકાંડની પાછળ દોડે છે. શુષ્કજ્ઞાનીઓ શાસ્ત્રની પાછળ દોડે છે. એમ અજ્ઞાન અવસ્થામાં જેણે ધર્મનું જે સાધન પકડ્યું તેની પાછળ દોડ્યા કરે છે અને સાચી સાધનાથી વિમુખ થઈ જાય છે. વારંવાર ઉપયોગને અંતર્મુખ કરી અને સ્વરૂપ અનુસંધાનનો ઉગ્ર પ્રયોગ કરશો તો ગમે ત્યારે આત્માના આનંદની અનુભૂતિ થશે. બીજેથી નહીં આવે, જ્યાં છે ત્યાંથી મળશે.
“ચતુરાંગુલ હે દમસે મિલહે.” ચતુર એટલે જ્ઞાનીઓ વાણી દ્વારા, ઈશારા દ્વારા, મર્મ દ્વારા, ગમે તે સાધન દ્વારા જે અંગુલિનિર્દેશ કરે છે એનો આધાર લઈ, અંતર્મુખ ઉપયોગ દ્વારા જીવ પોતાના સ્વરૂપના આશ્રયનો, સ્વરૂપ અનુસંધાનનો ઉગ્ર પ્રયોગ કરે તો તેને સમ્યગદર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. દમસે મિલતે એટલે સમ્યગદર્શનની પ્રાપ્તિ કરાવે છે. સમ્યગદર્શન, સમ્યફજ્ઞાન, સમ્યકૂચારિત્ર દૂર નથી. અરે ! મોક્ષ પણ દૂર નથી. અહીં ગઢથી અહમદનગર દૂર છે, ઈડરનું ગામ દૂર છે. આગળ એક મંદિર છે એ બધા દૂર છે, અહીંનું મંદિર પણ દૂર છે પણ આત્મા તો એકદમ નજીક જ છે.
એક વખત સંતાકૂકડીની રમતમાં એક છોકરો તેના ઘરમાં અનાજની કોઠીમાં સંતાઈ ગયો અને ઉપર નાનું માટલું મૂકી દીધું, એટલે કોઈને ખબર ના પડે કે અહીં છે. હવે બીજા છોકરાઓ એને શોધવા માટે આખું ગામ ફરી વળ્યા. છોકરો હાથ આવે નહીં. સાંજ પડી ગઈ. એના મા-બાપને ચિંતા થઈ કે આ છોકરો ગયો ક્યાં? તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. રાત પડી. છોકરો કોઠીમાં ઊંઘી ગયો. મા-બાપ બિચારા નિરાશ થઈને બેઠા છે, ત્યાં છોકરો જાગ્યો. એને મૂંઝવણ થઈ એટલે રડવા માંડ્યો. એટલે મા-બાપને થયું કે આ રડવાનો અવાજ તો આપણા છોકરાનો જ છે. એટલે અવાજની દિશામાં કોઠી પાસે આવ્યા. માટલું ખસેડીને જોયું તો છોકરો અંદર હતો. “અલ્યા, તને શોધવા અમે ચારે બાજુ ફરી વળ્યા અને તું તો આ કોઠીમાંથી નીકળ્યો !” હવે, એક બાજુ આનંદ છે, તો બીજી બાજુ દુઃખ છે. મળ્યાનો આનંદ છે અને ખોટી જગ્યાએ શોધ્યું એનું દુઃખ છે.