________________
૩૧૦
ક્ષમાપના
પ્રત્યક્ષ સદ્ગુરુયોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ; અસદ્ગુરુને દૃઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજ મત વેષનો, આગ્રહ મુક્તિનિદાન. લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યુ વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા - ૨૪ થી ૨૮ આ બધા મતાર્થીના, મિથ્યાત્વીના લક્ષણો બતાવ્યા છે. આપણને એમ લાગે છે કે બીજા એવા છે, હું એવો નથી. પણ જો સૂક્ષ્મદૃષ્ટિથી વિચારીએ તો તું પણ પ્રભુ ! એમાં જ છું, એ મતાર્થીમાં જ છું. માટે, ભગવાને પ્રથમ સમકિત કરવા કહ્યું છે. પોતાના આત્માને ઓળખે, પછી તેમાં રહેવું તે શાંતિ છે. સમકિત નથી થયું ત્યાં સુધી ક્રોધાદિ ન કરે તો પુણ્ય બંધાય, પરંતુ આત્માનો લક્ષ નથી ત્યાં સુધી કર્મથી ના છૂટે. ક્રોધ ના કરે, ક્ષમા રાખે તે ઠીક છે પણ આત્માનો લક્ષ ન હોય તો તે મોક્ષનો અધિકા૨ી થતો નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે,
ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે.
– શ્રીમદ્ રાજચંદ્ર - આંક - ૮/૩
કઈ ક્ષમા ? જ્ઞાની જે ક્ષમા રાખે છે તે. અજ્ઞાનીની નહીં. અજ્ઞાનીની ક્ષમામાં પણ કષાય છે, વિભાવ છે. શાંતિ, દયા, ક્ષમા વગેરે જે કોઈ આત્માના ગુણો છે તે સમકિત થયા પછી સાચા કહેવાય છે. ત્યાં સુધી વ્યવહારથી સારા છે, મંદકષાયરૂપ છે. મંદકષાયના કારણે તે શુભભાવ કહેવાય છે અને જો તે સમકિત સહિત થાય તો તે ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આર્કિચન્ય, બ્રહ્મચર્ય કહેવાય છે. કારણ કે તે મોક્ષનો માર્ગ છે. ભગવાને સૌથી પહેલા સમકિત કરવાનું કહ્યું છે. જ્યારે આપણે પહેલાં બીજું બધું ઘણું કરવા મંડી પડીએ છીએ; જેને જે મળ્યું, જે નિમિત્ત મળ્યા કે કોઈની પ્રેરણા મળી કે પોતાને અંદરમાંથી વિકલ્પ આવ્યો એ પ્રમાણે સાધના કરે છે.
તો પહેલાં કંઈ સાધના કરવાની છે ? સમ્યગ્દર્શનની. કેમ કે, મોક્ષમાર્ગનું પહેલું પગથિયું સમ્યગ્દર્શન છે. એ થવાથી જ્ઞાન પણ સમ્યક્ થાય છે. ચારિત્ર પણ સમ્યક્ થાય છે. સમ્યગ્દર્શન એટલે આત્મતત્ત્વની અનુભવાત્મક શ્રદ્ધા. આપણે અત્યાર સુધી અનંતવાર સાધના