________________
૩૩૪
ક્ષમાપના
શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય; એ ભોગવે એક સ્વ આત્મ પોતે, એકત્વ એથી નયસુજ્ઞ ગોતે.
– શ્રીમદ્ રાજચંદ્ર -પૃ. ૪૦ - એકત્વ ભાવના | હું પાપી છું. હું બહુ જ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું.
અઢારે પાપસ્થાનકોમાંથી મોટામાં મોટું પાપ હોય તો મિથ્યાત્વ છે. કોઈ જીવોને મારી નાંખવા એ મોટું પાપ નથી. કેમ કે, એનું ફળ કદાચ ૧૦,૦૦૦ વર્ષ માટે નરકમાં જવું પડશે. પણ મિથ્યાત્વના ગર્ભની અંદર અનંતો કાળ પડેલો છે. એટલે મિથ્યાત્વ જેવું કોઈ પાપ નથી. મિથ્યાત્વ એ મુખ્ય પાપ છે. મિથ્યાત્વ સહિતના વ્રત ધારણ કરે તો પણ એ પાપી છે, પુણ્યશાળી નથી. નરકનો જીવ સમ્યકત્વ પ્રગટ કરે તો એ પુણ્યશાળી છે, પાપી નથી; ભલે દુઃખ ભોગવે છે બહારમાં તો પણ. મિથ્યાત્વ છે ત્યાં સુધી ભલે સાધુ થઈ જાય તો પણ પાપ જ છે. મિથ્યાત્વ છે તો રાગ-દ્વેષ છે, રાગ-દ્વેષ છે તો હિંસા છે, હિંસા છે તો પાંચેય પાપ છે. મિથ્યાત્વ છે તો રાગ-દ્વેષ રહેવાના અને રાગ-દ્વેષ થવાના. એટલે સ્થૂળ પાપનો જીવ ત્યાગ કરવા ઘણો પ્રયત્ન કરે છે, પણ મિથ્યાત્વનું આ સૂક્ષ્મ પાપ એની નજરમાં આવતું નથી કે જે મહાપાપ છે. પાપનો બાપ આ મિથ્યાત્વ છે.
જુઓ ! મિથ્યાત્વની ભયાનકતા હજી આપણને સમજાઈ નથી. ધર્મના નામે પણ જીવ આડીઅવળી પ્રવૃત્તિઓ કરે છે. એ મૂકી, મિથ્યાત્વ કેમ જાય? સાચું ભેદજ્ઞાન કેમ થાય? તત્ત્વની સાચી શ્રદ્ધા કેમ થાય? દેવ-ગુરુ-ધર્મની સાચી ઓળખાણ કેમ થાય? આ બધું પહેલાં કરે. જેમ એકડા વગરના મીંડાની કોઈ કિંમત નથી, તેમ મિથ્યાત્વ સાથેની કોઈપણ પ્રકારની સાધનાની મોક્ષમાર્ગમાં કોઈ કિંમત નથી. એનો અર્થ એવો નથી કે એ ન કરવું, પણ મોક્ષમાર્ગમાં એની કિંમત નથી. એને મોક્ષમાર્ગ માનો એટલે મિથ્યાત્વ વધારે ગાઢું થાય છે. મિથ્યાત્વ છે
ત્યાં સુધી પાપ જ છે. “પાપ છે' એમ નહીં પણ પાપ ‘જ છે. પાંચ મહાવ્રત પાળતો હોય પણ મિથ્યાત્વ છે તો પાપી જ છે. હું પાપી છું એની વાત ચાલે છે આ. મહાવ્રતવાળા પણ જો આત્મજ્ઞાન ન હોય તો પાપી છે. ભાવલિંગ વગરના દ્રવ્યલિંગી મુનિઓ બધા પાપી છે. સમજવું અઘરું છે. માટે “શ્રી રત્નકરંડ શ્રાવકાચાર' માં શ્રી સમતભદ્રાચાર્યે કહ્યું કે, “મોહી મુનિ કરતાં નિર્મોહી ગૃહસ્થ શ્રેષ્ઠ છે, મોક્ષમાર્ગ છે.” મોહી મુનિએ મોક્ષમાર્ગી નથી, નિર્મોહી ગૃહસ્થ એ મોક્ષમાર્ગી છે.